MORBI:મોરબીમાં જૈન સમાજ દ્વારા શાશ્વતી આયંબિલ ઓળીનો ભક્તિમય પ્રારંભ: રેકોર્ડબ્રેક તપસ્વીઓ દ્વારા આરાધના

MORBI:મોરબીમાં જૈન સમાજ દ્વારા શાશ્વતી આયંબિલ ઓળીનો ભક્તિમય પ્રારંભ: રેકોર્ડબ્રેક તપસ્વીઓ દ્વારા આરાધના
મોરબી: મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત સંયુક્ત આયંબિલ ઓળીના પ્રસંગે શહેરનું વાતાવરણ ધર્મમય બન્યું છે. લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી મહારાજ, પૂ. વિવેકમુનિ મહારાજ, પૂ. ચિંતનમુનિ મહારાજ સહિતના સાધુ-સાધ્વીજીઓની પાવન નિશ્રામાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
તપ અને આરાધનાનો સંગમ તા. ૨૪થી શરૂ થયેલ આ ઓળીમાં ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. દરરોજ સરેરાશ ૫૨૫થી વધુ લોકો આયંબિલ કરી રહ્યા છે. આજે રેકોર્ડ બ્રેક સંખ્યા નોંધાઈ હતી, જેમાં:
૫૩૨ તપસ્વીઓ ૨ મહારાજ સાહેબ ૧૭ સાધ્વીજી મહારાજ
કુલ ૫૫૧ જેટલી સંખ્યામાં ભાવિકોએ શાંતિપૂર્વક આયંબિલની આરાધના કરી આત્મા અને શરીરની શુદ્ધિનો સંકલ્પ કર્યો હતો.’માનસ પરીક્ષા’ દ્વારા જ્ઞાનની લહાણી
તા. ૨૬ના રોજ પૂ. અરિહંત મુનિજી અને વર્ધમાન મુનિની પ્રેરણાથી ‘માનસ પરીક્ષા’ (ઓપન બુક એક્ઝામ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના જીવન પર આધારિત પુસ્તિકા ‘અનુભૂતિની અભિવ્યક્તિ’ પરથી લેવાયેલ આ પરીક્ષામાં ૧૨૫થી વધુ ભાવિકોએ રામનવમીના દિવસે સોની બજાર ઉપાશ્રય ખાતે ઉત્સાહભેર ભાગ લીધો હતો.આગામી કાર્યક્રમ: ભગવાન મહાવીરના ૧૪ સ્વપ્નાના વધામણા આગામી તા. ૨૯, રવિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે એક વિશેષ ભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં:ભગવાન મહાવીર સ્વામીના ૧૪ સ્વપ્નાનું મંગલાચરણ.વીરના વધામણા અને સપના સોહામણાની ભક્તિ.સમસ્ત જૈન સમાજને આ પ્રસંગે સપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સેવા અને અનુમોદના જૈન ધર્મમાં ‘કરવું, કરાવવું અને અનુમોદના કરવી’ – ત્રણેયનું ફળ સમાન મનાય છે. જે ભાવિકો તપ નથી કરી શકતા, તેઓ તપસ્વીઓની અનુમોદના કરી પુણ્યનું ભાથું બાંધી શકે તે હેતુથી ૧૦ દિવસ સુધી તપસ્વીઓના પારણાના દિવસે તેમનું વિશેષ બહુમાન કરવામાં આવશે.આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે મોરબીના વિવિધ જૈન સંઘના ટ્રસ્ટીઓ, યુવક મંડળો, મહિલા મંડળો તેમજ સ્વયંસેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.











