GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં પ્રથમવાર સમીક્ષા બેઠક યોજતા જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા

 

MORBI:મોરબી જિલ્લામાં પ્રથમવાર સમીક્ષા બેઠક યોજતા જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા

 

 

 

– પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા : “મોરબી જિલ્લો ‘મોર્ડન ડિસ્ટ્રિક્ટ’ બની શકે તેવી પ્રબળ શક્યતાઓ; સૌ એ દિશામાં સંયુક્ત પ્રયાસો કરે”

“સમય મર્યાદામાં રોડ રસ્તાના સમારકામના કામો પૂર્ણ કરવામાં આવે, સરકારી નાણાનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે જરૂરી”

કમોસમી વરસાદથી નુકસાન અન્વયે કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે રીતે કામગીરી કરવા સુચના આપતા મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

 

મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ કલેક્ટર કચેરી મોરબી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

મંત્રીશ્રીએ આ બેઠકમાં મોરબી જિલ્લાની તમામ વિગતો મેળવી જણાવ્યું હતું કે, મોરબી ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો જિલ્લો છે. જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો મોરબી ‘મોર્ડન ડિસ્ટ્રિક્ટ’ બની શકે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે ત્યારે સૌ મળી આ દિશામાં સંયુક્ત પ્રયાસ કરે તે જરૂરી છે. રોડ રસ્તાની પરિસ્થિતિ અંગે મંત્રીશ્રીએ સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, લોકોને સુવ્યવસ્થિત વાહન વ્યવહાર માટે સારા રોડ રસ્તા મળી રહે તે જરૂરી છે જેથી ચોમાસામાં નુકસાનગ્રસ્ત માર્ગોનો સમય મર્યાદામાં સમારકામ કરવામાં આવે તે અનિવાર્ય છે. વધુમાં તેમણે તમામ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ અને સરકારી નાણાનો યોગ્ય તેમજ કાર્યક્ષમ ઉપયોગ થાય તેવી તાકીદ કરી હતી. હાલ કમોસમી વરસાદના કારણે નુકસાન ગ્રસ્ત વિસ્તારની વાત કરતા મંત્રીશ્રીએ તમામ ખેડૂતોને રાહત પેકેજનો લાભ મળે અને કોઈ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે તાકીદ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રીને મોરબી જિલ્લા વિશેની માહિતી આપી હતી અને હાલ જિલ્લાની સ્થિતિ અંગે તેમને વાકેફ કર્યા હતા.

 

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, મોરબી કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.સુનિલ બેરવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!