MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કાલરીયા ફરી વિવાદોના ઘેરાવમાં

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કાલરીયા ફરી વિવાદોના ઘેરાવમાં
(મોહસીન શેખ દ્વારા)મોરબી સિવિલ હોસ્પિટલ એટલે જિલ્લા લોકો માટે જીવનદાતા સમાન સંસ્થા. પરંતુ આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર કાલરીયા સાહેબ વારંવાર વિવાદોના ભવરોમાં ફસાતા રહ્યા છે. હાલ ફરી એકવાર તેમના વર્તન અને કાર્ય પદ્ધતિને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
વાલા દવલાની નીતિનો આક્ષેપ હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના પરિજનોના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર કાલરીયા પોતાનાં જ વાલા દવલાની નીતિ અપનાવીને કામ કરતા જોવા મળે છે. એટલે કે ઓળખાણ કે નજીકના લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવી દેવી અને સામાન્ય દર્દીઓને લાંબા સમય સુધી અવગણના કરવી – એવો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
અગાઉ જ્ઞાતિવાદનો વિવાદ આ પહેલીવાર નથી કે ડોક્ટર કાલરીયા અંગે આક્ષેપો ઉઠ્યા છે. થોડા સમય પહેલા પણ તેમના વિરુદ્ધ જ્ઞાતિવાદના સમાચાર પ્રકાશિત થયા હતા. એ સમયે પણ તંત્રે ગંભીરતા દાખવી નથી, જેના કારણે આજે ફરી આ જ પ્રકારના મુદ્દાઓ ઉછળતા જોવા મળે છે.
દર્દીઓમાં અસંતોષ – સ્ટાફમાં ભયનું વાતાવરણ સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ તથા તેમના પરિવારજનોમાં અસંતોષ છવાયો છે. “સરકારી હોસ્પિટલમાં સૌને સમાન સારવાર મળે” એજ લોકોની અપેક્ષા છે, પરંતુ પસંદગી આધારીત વ્યવહારના કારણે સામાન્ય દર્દીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
બીજી તરફ, સ્ટાફના કેટલાક સભ્યો પણ કાલરીયા સાહેબ સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવાની હિંમત નથી કરતા, કારણ કે “ટ્રાન્સફર કે બદલો લેવાશે” એવી ભીતિ જામી છે.
તંત્રની શંકાસ્પદ મૌનતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવી ગંભીર ફરિયાદો વચ્ચે પણ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર મૌન શા માટે છે? કાલરીયા સાહેબ અંગે ફરી ફરી વિવાદો ઊભા થાય છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યાં નથી. શું તંત્રને ફક્ત કાગળ પર કામ કરવાનું છે કે પછી ખરેખર દર્દીઓને ન્યાય મળે તે માટે ગંભીરતા દાખવવાની છે?
લોકોની માંગ – પારદર્શક તપાસ જરૂરી સ્થાનિક લોકો તથા સમાજજનોએ તંત્રને સ્પષ્ટ માંગ કરી છે કે આ મુદ્દે પારદર્શક તપાસ થાય અને જો ખરેખર વાલા દવલાની નીતિ તથા જ્ઞાતિવાદના આક્ષેપો સાચા સાબિત થાય તો કડક કાર્યવાહી કરવામાં આવે. હોસ્પિટલમાં ભેદભાવ અને પક્ષપાતના કારણે સામાન્ય દર્દીઓ પીડાઈ રહ્યા હોય એ વાત સહનશીલ નથી.







