શુક્લતીર્થ નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનથી ચાર લોકોના મોત મામલે ફરિયાદ
શુક્લતીર્થની ઘટનામાં કલેક્ટર-ભૂસ્તર વિભાગને માનવ અધિકારની નોટિસ
ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે નવેમ્બર મહિનામાં મેળો યોજાયો હતો. તે સમયે ભરૂચના વેજલપુર ખાતે રહેતો પરિવાર વિધી માટે શુક્લતીર્થ ગામે નર્મદા નદી કિનારે ગયાં હતાં. અરસામાં નદીમાં સ્નાન કરવા માટે જતાં ગેરકાયદે રેતી ખનને કારણે નદીમાં ઊંડો ખાડો થવાથી તેમાં ગરકાવ થઇ જતાં પિતા-પુત્ર સહિત ત્રણ જણાના મોત થયાં હતાં. જ્યારે અન્ય એક યુવાન પણ તે સ્થળે ડૂબ્યો હતો. ત્યારે ભરૂચના વકીલ કમલેશ મઢીવાલાએ માનવ આયોગમાં ફરિયાદ કરી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યાં હતાં કે, શુકલતીર્થ ગામ સહિતના નર્મદા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિ વહિવટી તંત્ર અને પોલીસ તંત્રની રહેમ નજરે ચાલી રહ્યો છે. નદીમાં કિનારા પાસે ઊંડા ઊંડા ખાડાઓને કારણે અનેક લોકોના જીવ ગયાં છે. જેના પગલે ગેરકાયદે રેતી ખનન કરનારા માફિયાઓ તેમજ તેમને છાવરનારા વહિવટી તંત્રના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. જેના પગલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે ભરૂચ કલેક્ટર તેમજ ભુસ્તર વિભાગને નોટિસ ફટકારી છે. જેમાં આગામી 23મી ડિસેમ્બરના રોજ તેઓને તમામ મામલામાં વિગતવાર હકિકતલક્ષી અહેવાલ સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.