ઈ-સામાજ કલ્યાણ પોર્ટલ: એક ક્લિકે 76 યોજનાઓનો લાભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “ડિજિટલ ભારત” અભિયાનને આગળ વધારવા અને નાગરિકોને સરળ અને પારદર્શક સરકારી સેવાઓ પહોંચાડવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. now ગુજરાતના નાગરિકો ઘરેથી જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની 76થી વધુ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે.
રાજ્ય સરકાર સતત નાગરિકોની સુવિધા માટે નવી ટેક્નોલોજી અપનાવી રહી છે, જેના ભાગરૂપે https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ ઊભું કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા નાગરિકો વિવિધ લાભકારી યોજનાઓ માટે એક જ યુઝર આઈડી અને પાસવર્ડ વડે સરળતાથી અરજી કરી શકે છે.
આ પોર્ટલ દ્વારા નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની 21 યોજનાઓ, નિયામક વિકસીત જાતિ કલ્યાણની 14 યોજનાઓ, સમાજ સુરક્ષાની 10 યોજનાઓ, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની 14 યોજનાઓ, ગુજરાત રાજ્ય દિવ્યાંગજન નાણાં અને વિકાસ નિગમની 6 યોજનાઓ, તેમજ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની 11 યોજનાઓ માટે સીધી ઓનલાઈન અરજી કરી શકાય છે.
નાગરિકો માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે પોર્ટલ પર “નાગરિક સહાય માર્ગદર્શિકા” PDF અને વીડિયો માર્ગદર્શન પણ ઉપલબ્ધ છે, જે તમામને સરળતાથી સમજી અને અરજી કરવાની પ્રેરણા આપે છે.
આ પોર્ટલ દ્વારા આવાસ યોજના, માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું જેવી મહત્વપૂર્ણ યોજનાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.
સરકાર દ્વારા ડિજિટલ સેવાઓ વધુ પારદર્શક અને અસરકારક બનાવવા સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. રાજ્યના નાગરિકો માત્ર એક ક્લિકે આ યોજનાઓનો લાભ લઈ શકે છે – “મારી ક્લિક, મારો ફાયદો!”




