VALSADVALSAD CITY / TALUKO

હિટ એન્ડ રન કેસના બે મૃતકોના પરિવારજનોને રૂ.૨ લાખની સહાય હુકમોનું વિતરણ

 જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ હિટ એન્ડ રનના કિસ્સામાં આ સહાય યોજનાનો અરજી કરી લાભ લેવા આવેદન કર્યું

મૃત્યુંના કિસ્સામાં રૂ. ૨ લાખ અને ગંભીર ઈજામાં રૂ.૫૦૦૦૦/-ની સહાય મળવાપાત્ર

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨ જુલાઈ    

સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતમાં અકાળ મૃત્યું થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થવાથી પરિવાર નોંધારો થઈ જાય છે અને તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આવા કિસ્સાઓમાં આંશિક રૂપે મદદરૂપ થઈ શકાય તે માટે ભારત સરકાર તરફથી ‘ Compensation To Victims Of Hit And Run Motor Accidents Scheme – 2022′ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ હીટ એન્ડ રન (અજાણ્યા વાહનની ટકકર) મૃત્યુંના કિસ્સામાં રૂ. ૨ લાખ તથા ગંભીર ઈજાના કિસ્સામાં રૂા.૫૦,૦૦૦/-ના આર્થિક વળતરની જોગવાઈ કરવામાં આવી છે. ઉક્ત વળતર માટેની અરજીઓનો નિર્ણય કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષપણા હેઠળ કમીટીની રચના કરવામાં આવી છે. આ કમીટીની બેઠક તા. ૦૩-૦૭-૨૦૨૪ના રોજ યોજાઈ હતી.

બેઠકમાં બે કેસો મંજુર કરવામાં આવ્યા હતા. વલસાડ તાલુકાના ડુંગરી ગામના અરજદાર જિજ્ઞેશ કાળીદાસ પટેલના પિતાશ્રી કાળીદાસ મંગાભાઈ પટેલ સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. નોકરી ઉપર જતા સમયે નેશનલ હાઈવે – ૪૮ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતું. અન્ય કિસ્સામાં પણમાં ઉમરગામ તાલુકાના કરમબેલીના અરજદાર કોકીલા મોહન મીરજકર (મૂળ રહે.મહારાષ્ટ્ર)ના યુવાન પુત્ર બબલુ મોહન મીરજકર સ્વીગી કંપનીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરતા હતા. નોકરી ઉપર જતા સમયે નેશનલ હાઈવે – ૪૮ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતું. આ બંને કિસ્સામાં અજાણ્યો વાહન ચાલક મળી ન આવતા તેમના પરિવારજનોએ આ યોજના હેઠળ વળતર માટે અરજી કરી હતી. કમીટીએ તેમની અરજી વંચાણે મૃતકના પરિવારને આર્થિક મદદ મળી રહે તેવા હકારાત્મક અભિગમ સાથે અરજદારની અરજી મંજુર કરી બંન્ને પરિવારોને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ. આર. જ્હા અને પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરનરાજ વાઘેલાના હસ્તે રૂ.૨ લાખની સહાયના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આવા આકસ્મિક બનાવો અંતર્ગત કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હોય અને તે દરમ્યાન મૃત્યુ કે ઈજા થવાના કિસ્સામાં આ સ્કીમ હેઠળ વળતર માટે અરજી કરી શકાય છે. આવા કોઈ બનાવ બનેલ હોય તો કલેક્ટર કચેરીની નાયબ ચીટનીશ શાખા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અરજી કરી આ યોજનાનો લાભ લેવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વિનંતી કરી છે.

Back to top button
error: Content is protected !!