આણંદ કૃષિ યુનિવર્સિટી ફૂડ અને એગ્રિબિઝનેસ એક્સિલેરેટરનું સફળતાપૂર્વક આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી ફૂડ અને એગ્રિબિઝનેસ એક્સિલેરેટરનું સફળતાપૂર્વક આયોજન
તાહિર મેમણ – આણ્ંદ – 03/10/2024 – આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે, એઆઈસી આણંદ ફાઉન્ડેશન અને એ-આઇડિયા,આઈસીએઆર-નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ મેનેજમેન્ટ, હૈદરાબાદના સંયુક્ત ઉપક્રમે ‘સ્ટાર્ટઅપ હન્ટ ફોર એગ્રી ઉડાન’-ફૂડ અને એગ્રિબિઝનેસ એક્સિલેરેટરનું સફળ આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયા અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય ફૂડ અને એગ્રિબિઝનેસ ક્ષેત્રના સ્કેલ-અપ સ્ટેજના સ્ટાર્ટઅપ્સ માટે જરૂરી માર્ગદર્શન, નેટવર્કિંગ અને રોકાણની તકો પુરી પાડવાનો હતો.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે.બી. કથિરિયાએ “માઈન્ડ ટુ માર્કેટ”ની મહત્વતા સમજાવી, ખેડૂત કલ્યાણ માટે ઉદ્યોગ સાહસિકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિકોએ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે નવીન તકનીકના ઉપયોગથી સમાધાન શોધવાની દિશામાં આગળ વધે તો બિઝનેસનો ઝડપી વિકાસ શક્ય છે.
એ-આઇડિયા, આઈસીએઆર- નાર્મનું પ્રતિનિધિત્વ કરતા ડૉ. એન.એ.વિજય અવિનાશિલિંગમે એગ્રી ઉડાન ૭.૦ પ્રોગ્રામ વિશે સર્વને વિસ્તૃત જાણકારી આપીને જણાવ્યું હતું કે, આ પ્રકારના નવીન કાર્યક્રમ થકી સ્ટાર્ટઅપ્સ, બિઝનેસને ઝડપથી આગળ વધારવા માટે જરૂરી માર્ગદર્શન અને મૂડી રોકાણ મેળવી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી ગંગીશેટ્ટી વિજય કુમારે, બેન્ક દ્વારા સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર કરાયેલ નાણાકીય સેવાઓ વિશે માહિતી આપી કૃષિ વ્યવસાય ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવામાં નાણાકીય સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમમાં આઈસીએઆરના વાસદ, ભરૂચ અને ગોધરા સ્થિત કેન્દ્રોના વડાઓ, આકૃયુના ડીનશ્રીઓ, ફેકલ્ટી સભ્યો સહીત ૮૦થી વધુ સહભાગી ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, બેંકરો, અને કૃષિ-ફૂડ ક્ષેત્રમાં બિઝનેસ કરવા ઇચ્છુક યુવાનો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.





