ભરૂચમાં લોક જનશક્તિ પાર્ટીનું અનોખું પ્રદર્શન:કલેક્ટર કચેરી બહાર પીપોડી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ, જિલ્લાના પુલોની તપાસની માગ
સમીર પટેલ, ભરૂચ
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. પાર્ટીના જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરોએ પીપોડી વગાડી સરકારને જાગૃત થવાનો સંદેશ આપ્યો. અબ્દુલ કામઠીએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. તેમાં જિલ્લાના તમામ પુલોની તાત્કાલિક તપાસ અને મરામતની માંગ કરવામાં આવી. નંદેલાવ બ્રિજ, જંબુસર બાયપાસ બ્રિજ, અરગામા ભુખી ખાડી બ્રિજ અને આમોદ-જંબુસર ઢાઢર નદીના બ્રિજની સ્થિતિ શંકાસ્પદ હોવાનું તેમણે જણાવ્યું. આવેદનપત્રમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો માટે 50 લાખ રૂપિયાની સહાયની માંગ કરાઈ છે. ઘાયલોને નિઃશુલ્ક અને ઉચ્ચતમ સારવાર આપવાની માંગ પણ કરવામાં આવી. દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ પણ કરાઈ. લોક જનશક્તિ પાર્ટીએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઘટનાએ જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે.