MORBI:મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફટી ટ્રેનિંગ આપવામાં આવી
MORBI:મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફટી ટ્રેનિંગ આપવામાં આવી
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ૧૧થી ૧૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન શહેરની હોસ્પિટલો, સ્કૂલો, હોટલો અને મોલમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ અંતર્ગત ૭ હોસ્પિટલ, ૪ સ્કૂલના, ૧ હોટેલ તથા ૧ મોલમાં એમ કુલ ૭૧૯ લોકોને અગ્નિસુરક્ષાની તાલીમ આપવામાં આવી હતી. સાથે ફાયર સેફટી સર્ટીફિકેટ ચેકિંગ અને ૨૩ હોસ્પિટલોને ત્રીજી અને આખરી નોટિસ આપવામાં આવી હતી.
મોરબી મનપા કમિશનરના આદેશથી મહાનગરપાલિકા વિસ્તારમાં આગ લાગવાની શક્યતાઓને રોકવા અને જનજાગૃતિ ફેલાવવા અગ્નિશમન શાખાએ વિશેષ અભિયાન ચલાવ્યું હતું. ૧૧ માર્ચથી ૧૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન શહેરની ૭ હોસ્પિટલો, ૪ સ્કૂલ, ૧ હોટેલ, ૧ મોલના કુલ ૭૧૯ લોકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દ્વારા લોકોને આગ બુઝાવવાના સાધનો, ઇમરજન્સી દરમિયાન કેવી રીતે પ્રતિક્રિયા આપવી, ફાયર સેફટીના નિયમો અને આગ લાગતા પહેલા જરૂરી સાવચેતી કેવી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરાયું અને જે હોસ્પિટલો પાસે ફાયર એઓસી ન હતું, તેમને ત્રીજી અને આખરી નોટિસ ફટકારી ૨૩ હોસ્પિટલોને સૂચના આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મોરબી જીલ્લામાં ૫ જગ્યાએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા, જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે એક રેસ્ક્યુ કોલમાં પણ ફાયર વિભાગે સફળ કામગીરી કરી હતી.
આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ/સ્કુલમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. અંતમાં, મહાનગર પાલિકા દ્વારા અપીલ કરી છે કે કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો, તેમ યાદીમાં જણાવ્યું છે.