ભરૂચમાં વર્ષ 2015માં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં વર્ષ 2015માં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ભાજપના નેતા શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા મામલે આરોપી યુનુસ ઉર્ફે માંજરા શેખની મિલકત ટાંચમાં લેવામાં આવી છે.
NIA અને સ્થાનિક પોલીસની ટીમે શુક્રવારે શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી આરોપીની રહેણાંક મિલકત બહાર બોર્ડ લગાવી તેને ટાંચમાં લીધાની નોંધ કરી બોર્ડ લગાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ આરોપી હવે આ મકાનમાં રહી શકે છે, પરતુ તેને વેચી શકશે નહી.આ કાર્યવાહી એનઆઇએ કોર્ટના આદેશના આધારે કરવામાં આવી છે.
2 નવેમ્બર 2015ના રોજ સેવાશ્રમ રોડ સ્થિત સુર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં બંને નેતાઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે, આંતરરાષ્ટ્રીય ગુનેગાર દાઉદ ઇબ્રાહીમના સાગરિત જાવીદ ચીકનાએ હિંદુ નેતાઓની હત્યાની 50 લાખ રૂપિયાની સોપારી આપી હતી.
આ ઘટનાને અંજામ આપનારા સુરત-ભરૂચના ‘અંધારી આલમ’ના મોડ્યુલ દ્વારા હત્યા કરવામાં આવી હતી. એનઆઇએએ કુલ 10થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ભરૂચના યુનુસ શેખ પણ સામેલ છે.



