GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKO

GANDHINAGAR:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા ૧૫૦૦થી વધુ એડવોકેટશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા: નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરાયું

 

GANDHINAGAR:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા ૧૫૦૦થી વધુ એડવોકેટશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા: નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરાયું

 

 

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કાયદા રાજ્ય મંત્રીશ્રી કૌશિક વેકરિયા સહભાગી થયા*
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:- કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ, સિક્યુરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરીની ભૂમિકા ખૂબ મહત્વની છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં “જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન” મંત્ર સાકાર થઈ રહ્યો છે સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઇલની એક ક્લિકથી પહોંચે તેવું વડાપ્રધાનશ્રીનું લક્ષ્ય

દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીના સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન, સમય અને શક્તિની બચત થતા કાર્યક્ષમતા વધશે


નોટરીની તમામ કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઈઝેશન થતાં પર્યાવરણનું રક્ષણ થશે, પેપરલેસ ગવર્નન્સને મળશે વેગ

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ૧,૫૦૦થી વધુ વકીલોને નોટરી તરીકે નિમણૂક અપાઈ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા ૧૫૦૦થી વધુ એડવોકેટશ્રીઓને ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

તેમણે રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ વિકસાવવા માટે નોટરી પોર્ટલને લોન્ચ કરી, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીના હિતને, તેની સરળતાને ઈઝ ઓફ લિવિંગના કેન્દ્રસ્થાને રાખી છે. તેમણે દરેક ભરતી પ્રક્રિયા કે યોજનાઓના લાભ વિતરણમાં પારદર્શિતા સાથે મેક્સિમમ ગવર્નન્સ મિનીમમ ગવર્નમેન્ટનો શાસન મંત્ર અપનાવ્યો છે. ગુજરાતના કાયદા જગતમાં આજે એ જ મંત્રને સાકાર કરતો અવસર છે.

તેમણે કહ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન મહત્ત્વનો પાયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાયદાના શાસન માટે સમય અનુરૂપ કાયદાઓ પ્રસ્તુત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે અંગ્રેજોના સમયના બિનજરૂરી કાયદાઓ રદ કરી કાનૂની પ્રક્રિયા સરળ બનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં “જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન” મંત્ર સાકાર થઈ રહ્યો છે. ત્રિપલ તલાક, કલમ ૩૭૦ની નાબૂદી અને ભારતીય ન્યાય સંહિતાનો સુચારું અમલ તેમના માર્ગદર્શનમાં પાર પડ્યો છે. કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવા માટે નોટરી તરીકેની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.

કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટીસિટીનું દાયિત્વ નોટરીના શિરે છે. નોટરી દ્વારા નોટરાઈઝ કરેલા દસ્તાવેજોને કાયદાકીય માન્યતા મળે છે તેમજ કોર્ટ અને અન્ય જગ્યાઓ પર આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઈઝ ઓફ ડુઈંગ પણ વધે છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સામાન્ય માનવીને મળતી સેવા સુવિધાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ શરૂ કરાવ્યો છે. સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઇલની એક ક્લિકથી લોકો સુધી પહોંચે તેવું લક્ષ્ય તેમણે રાખ્યું છે. ડિજિટલ ભારત અંતર્ગત ડિજિટલ માધ્યમોથી સરકારી સેવાઓની પારદર્શક પહોંચને સુનિશ્ચિત કરી છે. તેમના દિશાદર્શનમાં કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઈઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આજે ગુજરાતમાં શરૂ થયેલું નોટરી પોર્ટલ વડપ્રધાનશ્રીના ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરતું વધુ એક કદમ છે. નવા પોર્ટલના પરિણામે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. સર્વને સમાન અને ન્યાયી તક પણ મળશે. દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીના સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે. જેથી નોટરીની સેવા લેવા માટેના સમય અને શક્તિની બચતથી કાર્યક્ષમતા વધશે. તેમ મુખ્યમંત્રીશ્રીએ નોટરી પોર્ટલ લોંચ કરતા જણાવ્યું હતું.

નવા પોર્ટલથી દરેક લીગલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં સુરક્ષિત અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ જાળવવામાં પણ મદદ મળશે. નોટરીની તમામ કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઈઝેશન થતા કાગળોનો વપરાશ ઘટશે અને પર્યાવરણનું રક્ષણ થશે. જેનાથી પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને વેગ મળશે. તેનો વિશેષ ઉલ્લેખ તેમણે કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત નોટરી તરીકે પસંદગી થયેલા એડવોકેટને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ૧,૫૦૦થી વધારે વકીલોને નોટરી બનાવવાનું ભગીરથ કાર્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨,૯૦૦ નોટરીની જગ્યાઓ સામે આ જગ્યાઓમાં બમણાથી વધુનો વધારો કરીને આજે ૬,૦૦૦ કરવામાં આવી છે, જેનાથી ભવિષ્યમાં મોટી સંખ્યામાં વકીલોને તેનો લાભ મળશે. આજે નોટરી માટેનું ઈ-પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ ઈ-પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકોના સમયની બચત થશે. અસીલના હિત સાથે સમાજના હિતનું પણ ધ્યાન રાખી, ઝડપી ન્યાય માટે સહકાર આપવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ વકીલોને અપીલ કરી હતી.

વધુમાં નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગૌ હત્યા અટકાવવા તેમજ ગૌ માતાના રક્ષણ માટે જે કાયદો લાવ્યા તે એક ઐતિહાસિક નિર્ણય હતો. આ કાયદાના અમલથી ગઈ કાલે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો. અમરેલીમાં ગૌહત્યા કરનારને આ કાયદા હેઠળ આજીવન કેદની સજા થઈ છે. જે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે લાવેલા કડક કાયદાનું પરિણામ છે.

ગુજરાતમાં પોક્સો કેસોમાં ૨૪ કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરવાની સફળતા મળી છે. એક મહિનામાં ૧૫થી વધુ કેસોમાં ચાર્જશીટ થઈ, જેમાં ઘણાને ફાંસી તથા આજીવન કેદની સજા થઈ છે.

કાયદા વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, નોટરી એ દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ સ્થાપિત કરનાર છે. નોટરીની કામગીરીથી છેતરપિંડી થવાની શક્યતાઓમાં ઘટાડો થાય છે. નોટરી દ્વારા પ્રમાણિત દસ્તાવેજોને કાયદાકીય રીતે માન્યતા મળે છે. યોગ્ય રીતે અને યોગ્ય પક્ષકાર દ્વારા જ્યારે દસ્તાવેજો બનાવવામાં આવે છે ત્યારે નોટરીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે. ખાસ કરીને મિલકતના દસ્તાવેજો, વેચાણખત વગેરે દસ્તાવેજોમાં નોટરીના સહી સિક્કાથી કાયદાકીય પ્રક્રિયા સરળ બને છે. આજે ૧૫૦૦ જેટલા નોટરીને એક સાથે નિમણૂક મળી છે, ત્યારે લોકોની સુવિધામાં વધારો થશે. નોટરી દ્વારા પારદર્શક રીતે ઓનલાઇન પ્રોસેસ દ્વારા પણ લોકોને કાયદાકીય સુવિધાઓ મેળવવામાં સરળતા રહેશે. આ સાથે મંત્રીશ્રીએ લોકોના નોટરી પર રહેલા વિશ્વાસની જાળવણી કરવા નવનિયુક્ત નોટરીને અપીલ કરી હતી.

કાર્યક્રમમાં સ્વાગત ઉદબોધન પ્રસંગે બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે કહ્યું હતું કે, દેશમાં બાર કાઉન્સિલને સહાય કરવાનો પ્રારંભ ગુજરાતમાં ૨૦૧૦માં પ્રધાનમંત્રીશ્રી મોદીએ રૂ.૨ કરોડ ૨૩ લાખની ગ્રાન્ટ આપીને, ઇ-લાઈબ્રેરીની સુવિધા થકી કર્યો હતો. જેમાં આગળ વધી હાલ સુધીમાં ગુજરાત સરકારે બાર કાઉન્સિલને વિવિધ કામગીરી માટે ૨૮ કરોડ જેટલી માતબર રકમની સહાય આપી છે. વળી, હાલમાં જ કેન્દ્ર સરકારે ૮,૦૮૬ વકીલોને નોટરીની ઉપાધિથી નવાજ્યા હતા , જ્યારે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ૧૫૦૦ વકીલોને નોટરી પ્રમાણપત્ર આપવાથી રાજ્યમાં, કુલ ૯,૫૦૦ જેટલા વકીલો ગુજરાતના નોટરી તરીકે નિયુક્ત થયા છે. જેની સીધી અસર જનતાના કાર્યોમાં સરળતાથી જોવા મળી રહી છે, આજે દરેક ગામમાં નોટરી જનસેવા માટે ઉપલબ્ધ છે.

આ સમારોહમાં મુખ્ય સચિવશ્રી મનોજ દાસ, સંયુક્ત સચિવ શ્રી એચ.એસ વર્મા, એડવોકેટ જનરલશ્રી કમલ ત્રિવેદી,લો-યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી નીતિન મલિક, ઉપરાંત બહોળી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!