GANDHINAGAR :GUJCOST દ્વારા “ગારડીંગ યૉર બ્રીધ: એવરીડે પ્રેકટીસીસ ફૉર સ્ટ્રોંગર લંગ્સ” વિષય પર હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું
GANDHINAGAR :GUJCOST દ્વારા “ગારડીંગ યૉર બ્રીધ: એવરીડે પ્રેકટીસીસ ફૉર સ્ટ્રોંગર લંગ્સ” વિષય પર હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું
GUJCOST ના RSC અને CSC સેન્ટર્સમાંથી 5,000 થી વધુ સહભાગીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી
પ્રખ્યાત તબીબી નિષ્ણાતોએ “ગારડીંગ યૉર બ્રીધ: એવરીડે પ્રેકટીસીસ ફૉર સ્ટ્રોંગર લંગ્સ” વિષય પર સેશન્સ લીધા હતા
એકંદરે સુખાકારી જાળવવામાં ફેફસાંની મહત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં શ્વસન સ્વાસ્થ્યને ઘણીવાર અવગણવામાં આવે છે. વધતું જતું વાયુ પ્રદૂષણ, બેઠાળી જીવનશૈલી અને ધૂમ્રપાન, અસ્થમા, COPD અને ફેફસાના કેન્સર જેવા શ્વસન રોગોમાં મુખ્ય ફાળો આપે છે. ફક્ત અસ્થમા જ વૈશ્વિક સ્તરે 260 મિલિયનથી વધુ લોકોને અસર કરે છે અને 2025 સુધીમાં તે 400 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. તેથી ફેફસાના મજબૂત સ્વાસ્થ્ય માટે નિવારણ અને જીવનશૈલીમાં ફેરફાર કરવું આપણા માટે અનિવાર્ય છે.
આ મહત્વપૂર્ણ અંગની સંભાળ રાખવા અંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ આજે સાંજે “ગારડીંગ યૉર બ્રીથ: એવરીડે પ્રેકટીસીસ ફૉર સ્ટ્રોંગર લંગ્સ” ની થીમ પર હેલ્થ મેટર્સની આ આરોગ્ય જાગૃતિની ચોથી શ્રેણીનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવ્યો હતો અને ગુજકોસ્ટના રીજીયોનલ સાયન્સ સેંટર્સ (RSCs) અને લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ના નેટવર્ક થકી 5,000 થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ભાગીદારી જોવા મળી હતી.
આ સેશનનું સંચાલન પ્રખ્યાત પલ્મોનોલોજિસ્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ફેફસાંની સંભાળ અને શ્વસનના સ્વાસ્થ્ય માટે સ્વસ્થ ટેવો અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રતિષ્ઠિત વક્તાઓમાં ડૉ. મનોજ કે. સિંઘ, સિનિયર પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ઝાયડસ હોસ્પિટલ; ડૉ. ગુંજન પરેશકુમાર ઉપાધ્યાય, પ્રોફેસર અને હેડ (ટીબી અને રેસ્પિરેટરી મેડિસિન), ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી, ગાંધીનગર હાજર રહેલ હતા. આ સેશનનું સંચાલન સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એવા ડૉ. મનોજ આર. ગુમ્બર દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેમણે નિષ્ણાતો અને સહભાગીઓ વચ્ચે રસપ્રદ અને માહિતીપ્રદ ચર્ચાને સરળ બનાવી હતી.
તબીબી નિષ્ણાતોએ “હેલ્ધી લંગ્સ, હેલ્ધી લાઈફ: ટીપ્સ ફોર એવરી બ્રીથ” અને “પ્રોટેક્ટ યૉર લંગ્સ: સ્ટે સ્ટ્રોંગ, બ્રીધ રાઈટ” જેવા વિષયો પર સેશન્સ લીધા હતા. તેમણે ફેફસાંના સ્વાસ્થ્યને જાળવવામાં નિયમિત કસરત, યોગ, વજન જાળવવું, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, સમયસર રસીકરણ અને નિયમિત આરોગ્ય તપાસની ભૂમિકા પર ભાર મુક્યો હતો. સહભાગીઓએ પ્રદૂષણના સંપર્કને નિયંત્રિત કરવું અને શ્વાસ લેવાની પદ્ધતિઓ અપનાવવાની રીતો પર પણ ચર્ચા કરી.
ઇન્ટરેક્ટિવ સેશનમાં પ્રેક્ષકો ઉત્સાહપૂર્ણ જોડાયા, જેમાં પ્રેક્ષકોએ ફેફસાંની સંભાળ, શ્વસન સમસ્યાઓના પ્રારંભિક લક્ષણો અને નિવારક આરોગ્યસંભાળ પગલાં અંગેની ચર્ચા કરી હતી.
આ અનોખી પહેલ દ્વારા, GUJCOST દ્વારા આરોગ્ય જાગૃતિ લાવવા અને નાગરિકો – ખાસ કરીને યુવાન વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવન જીવવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સશક્ત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.
આ શ્રેણીના ભાગ રૂપે, GUJCOST વિવિધ આરોગ્યને લગતી થીમ્સ પર વિવિધ હેલ્થ સેશન્સનું આયોજન કરવાનું ચાલુ રાખશે.
હવે, આગામી હેલ્થ સીરીઝ “પોષણ અને સંતુલિત આહાર” વિષય પર તા. 6 નવેમ્બર 2025 (ગુરુવાર) ના રોજ યોજાશે.