GANDHINAGAR:ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું

GANDHINAGAR:ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું
આગામી 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે, અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.
આ ત્રણ વર્ષોમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં (ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર) વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સ સ્થાનિક મહત્વાકાંક્ષાઓને ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરશે.
વર્ષ 2025માં ઘટેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની ગંભીર પરિસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ, ઝડપી અને અસરકારક નેતૃત્વનો પણ પરિચય આપ્યો છે. રાજ્યની તમામ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરીને રેસ્ક્યુ ઓપરેશન, સારવાર, સહાય અને સુચારુ સંકલન વડે ગુજરાતે તેમના નેતૃત્વમાં સંકટ વ્યવસ્થાપનનો એક અનુપમ દાખલો પૂરો પાડ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે, જે રાજ્યના શહેરોને વિશ્વ સ્તરીય, આધુનિક, હરિત, ટેક્નોલોજી આધારિત અને સુવિધાસભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ ત્રણ વર્ષો દરમિયાન રમત-ગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક મંચ પર ગૌરવ મેળવ્યું છે. ગુજરાતમાં વિકસિત કરવામાં આવેલ આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યના ખેલાડીઓ માટે સતત વિકસતી સુવિધાઓ અને રાજ્ય સરકારનો સહયોગ, ખેલાડીઓને અનુકૂળ સ્પોર્ટ્સ પૉલિસીને વગેરેના કારણે ગુજરાતને કૉમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત @2047”ના વિઝનને સાકાર કરવા માટે દૃઢપણે આગળ વધી રહ્યું છે. ત્રણ વર્ષના આ વિકાસ યજ્ઞએ ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી છે અને વૈશ્વિક સ્તરે રાજ્યની ઓળખ વધુ મજબૂત બની છે.








