શહેરા બસ સ્ટેશનમાં એસ.ટી. બસની અડફેટે અજાણી વૃદ્ધાનું મોત

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 

પંચમહાલ જિલ્લાના શહેરા બસ સ્ટેશન ખાતે સંતરામપુર ડેપોની વડોદરા-સંતરામપુર રૂટની એસ.ટી. બસ નીચે આવી જતાં આશરે ૬૫ વર્ષીય અજાણી વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની વિગત મુજબ, એસ.ટી. બસના ડ્રાઇવર મોહનભાઈ પગી અને કંડક્ટર ડાહ્યાભાઇ પટેલ વડોદરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે શહેરા બસ સ્ટેશનમાં બસને વળાંક આપી આગળ વધારતી વખતે આ વૃદ્ધા અચાનક બસના આગળના ભાગે આવી ગયા હતા. બસનું વ્હીલ વૃદ્ધા પર ફરી વળતા ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માતને પગલે બસ સ્ટેશનમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ મહિલા મૃત હોવાનું જણાતા લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. આ મામલે કંડક્ટર દ્વારા સંતરામપુર અને શહેરા ડેપોના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસને જાણ કરવામાં આવતા ટી.આઈ. અને ડેપો મેનેજર સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં મૃતક મહિલાની ઓળખ ન થઈ હોવાથી શહેરા પોલીસે કંડક્ટરની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






