ડેડીયાપાડાની મોઝદા આશ્રમ શાળામાં બાળકોના હાથમાં ત્રિકમ પાવડા… ગરીબ બાળકો શિક્ષિત બનવા આવે છે કે શ્રમિક ..?
જર્જરિત શાળા મા અભ્યાસ કરતા 64 આદિવાસી બાળકોનું જીવન દાવ ઉપર મુકતા સંચાલકો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ડેડીયાપાડા તાલુકાના મોઝદા ગામે આવેલી અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીઓ પાસે શાળાના શિક્ષક દ્વારા પ્લમ્બિંગ નું કામ કરાવવા માટે ખાડા ખોદાવવાનો વિડિઓ બહાર આવતા આશ્રમ શાળાઓ મા રહીને અભ્યાસ કરતા બાળકો ની દયનિય સ્થિતિ નો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
કુમળી વય ધરાવતા બાળકો હાથમાં ત્રિકમ અને પાવડા લઈ ખોદકામ કરી રહ્યા હોવાનું વિડિઓ જોઈ લોકોમાં આશ્ચર્ય અને દુઃખ ની બેવડી પ્રતિક્રિયા જોવા મળી છે, ત્યારે ડેડીયાપાડાના સ્થાનિક પત્રકાર દ્વારા આ સમગ્ર મામલો પ્રકાશમાં લાવવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે ત્યારે તેની સાથે વાતચીત દરમિયાન શાળાના શિક્ષક કબુલ કરે છે કે તેઓ બાળકો પાસે પ્લમ્બિંગ નું કામ કરાવી રહ્યા છે પરંતુ તેઓ તેની મજૂરી પણ ચૂકવે છે મફતમાં કામ નથી કરાવતા એ પ્રકારની વાત કહેતા તેઓ આ વીડિયોમાં કેદ થયા છે.
ત્યારે આશ્રમ શાળાના શિક્ષક દ્વારા આ પ્રકારે બાળકો પાસે મજુરી કરાવવા અને તેમને મજુરી ચૂકવવા ની મંજરી કોણે આપી? અને શું તેઓ નથી જાણતા હોય કે બાળકો પાસે આ રીતે કામ કરાવવું ગેરકાયદે અને ગુનાહિત પ્રવૃત્તિ ગણાય છે. શું બાળકોને તેમના વાલીઓ આવી મજુરી કરવા આ શાળામા મૂકી ગયા છે? આ બાળકો અહીંયા શિક્ષિત બનવા આવ્યા છે કે શ્રમિક બનવા?
નર્મદા જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને અંતરિયાળ ગામોમાં વસતા આદિવાસીઓ પોતાના બાળકોને આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં ભણાવી શકે માટે આશ્રમશાળાઓ નું સંચાલન કરવામાં આવે છે જેમાં સરકાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે ત્યારે શું સરકારની ગ્રાન્ટો આ પ્રકારે અમલ થતો હશે, શું આ આશ્રમ શાળાના સંચાલકો સામે સરકાર કે સરકારના વિભાગો અને બાળ કલ્યાણ વિભાગ કોઈ કાર્યવાહી કરશે?