HALVAD:સાવધાન – હળવદના કોયબા ગામે કેમિકલયુક્ત પાણી છોડવા મામલે: ત્રણ કારખાનેદાર સામે CID ક્રાઇમમાં ગુનો નોંધાયો

HALVAD:સાવધાન – હળવદના કોયબા ગામે કેમિકલયુક્ત પાણી છોડવા મામલે: ત્રણ કારખાનેદાર સામે CID ક્રાઇમમાં ગુનો નોંધાયો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી એક ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાનો ગંભીર મામલો સામે આવતા સીઆઈડી ક્રાઇમે ત્રણ કારખાનેદારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઇડ્રોક્લોરિક એસિડયુક્ત કેમિકલ પાણી છોડવાથી માનવ તેમજ પશુ જીવનને જોખમ થવાની સાથે પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતા પર પણ ગંભીર અસર થવાની શક્યતા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ વેસ્ટ પાણી આસપાસના ખુલ્લા ખેતરો અને જમીનમાં છોડવામાં આવતું હોવાની બાતમી મળતા સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલના ડિટેક્ટિવ પીએસઆઈ ઈશરાણી સહિતની ટીમે પંચોની હાજરીમાં ફેક્ટરી ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી પાણી ભરાયેલા ખેતરો જોવા મળ્યા હતા.
ફેક્ટરીમાં હાજર અલ્પેશ અંબાલાલ વશિયાણી અને સંજય અમરશી પટેલની પૂછપરછ કરતા ફેક્ટરીમાં તેઓ સહિત કુલ ત્રણ ભાગીદારો હોવાનું અને ત્રીજા ભાગીદાર તરીકે વિજય જસમત પટેલ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તબક્કે સ્થળ પરથી મળેલ પાણી કેમિકલ વેસ્ટ છે કે વરસાદી પાણી તે સ્પષ્ટ ન થતાં પાણીના નમૂનાઓ કબજે કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
એફએસએલના પરીક્ષણમાં પાણીમાં હાઈડ્રોજન અને ક્લોરાઈડના મુક્તમુલકો મળી આવતા તે હાઇડ્રોક્લોરિક એસિડના ઘટકો હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું. આ અંગે સાયન્ટિફિક ઓફિસર એમ.એમ. શાહે રિપોર્ટ આપ્યો હતો.
કેમિકલયુક્ત પાણી છોડવાથી માનવ અને પશુઓને નુકસાન થવાની તેમજ પર્યાવરણ અને જમીનની ગુણવત્તાને ગંભીર અસર પહોંચવાની શક્યતા હોવાને કારણે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૭૦, ૨૭૧, ૨૭૨ અને ૫૪ હેઠળ અલ્પેશ અંબાલાલ વશિયાણી, સંજય અમરશી પટેલ અને વિજય જસમત પટેલ સામે ફરિયાદ નોંધાવતા સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.












