MORBI:મોરબીમાં હૃદયદ્રાવક ઘટના: શેરીમાં રમતી અઢી વર્ષની માસૂમ બાળકી પર કાર ફરી વળતા કરૂણ મોત

MORBI:મોરબીમાં હૃદયદ્રાવક ઘટના: શેરીમાં રમતી અઢી વર્ષની માસૂમ બાળકી પર કાર ફરી વળતા કરૂણ મોત
મોરબી: શહેરના આલાપ રોડ પર આવેલા પટેલનગર વિસ્તારમાં રવિવારે સાંજે એક અત્યંત કરુણ અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. ઘર પાસે શેરીમાં રમી રહેલી અઢી વર્ષની માસૂમ બાળકી પર પૂરપાટ ઝડપે આવતી બલેનો કાર ફરી વળતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગત રવિવાર, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સાંજના આશરે સવા છ વાગ્યે વાસુદેવભાઈ વડસોલાની અઢી વર્ષની દીકરી ધનશ્રી તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે શેરીમાં રમી રહી હતી. આ દરમિયાન હળવદના જુના દેવળીયા ગામના વતની નિરવભાઈ મહાદેવભાઈ ભોરણીયા પોતાની મારૂતી સુઝુકી બલેનો કાર (નંબર GJ-36-AJ-9315) લઈને ત્યાંથી પસાર થયા હતા.
ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવી માસૂમ ધનશ્રીને અડફેટે લીધી હતી. કારના આગળ અને પાછળના બંને ટાયર બાળકીના શરીર પર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક બાળકીને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર ચાલક નિરવભાઈ પોતાના સાળાના ઘરે આવ્યા હતા. તેઓ જ્યારે કાર ચલાવી રહ્યા હતા ત્યારે મોબાઈલ ફોન પર વાત કરવામાં મશગૂલ હતા. કારના કાચ બંધ હોવાને કારણે બહાર હાજર લોકોએ બૂમો પાડી હોવા છતાં તેમને સંભળાઈ ન હતી. આ અકસ્માત સમયે ધનશ્રીનો ભાઈ પણ ત્યાં જ હતો, પરંતુ તે સમયસૂચકતા વાપરીને હટી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.
મોરબી પોલીસે આ મામલે પિતા વાસુદેવભાઈની ફરિયાદ પરથી ચાલક સામે નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ભારતીય ન્યાય સંહિતા (BNS): કલમ ૨૮૧, ૧૨૫(બી), ૧૦૬(૧) મોટર વાહન અધિનિયમ (MV Act): કલમ ૧૭૭, ૧૮૪ હાલ પીએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. માસૂમ બાળકીના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.












