MORBI:મોરબીના વાવડી રોડ પર પાણીની વિકરાળ સમસ્યા: ઉમિયા પાર્ક સોસાયટીની મહિલાઓનો પાલિકા કચેરીએ આક્રોશ

MORBI:મોરબીના વાવડી રોડ પર પાણીની વિકરાળ સમસ્યા: ઉમિયા પાર્ક સોસાયટીની મહિલાઓનો પાલિકા કચેરીએ આક્રોશ
નેતાઓ ટિકિટની લાઇનમાં, જનતા પાણીની લાઇનમાં – અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને પાલિકામાં મળતા નથી– ચૂંટણી ટાણે જ જનતા પાયમાલ?
મોરબીના વાવડી રોડ પર આવેલી ઉમિયા પાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી પીવાનું પાણી ન આવતા રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ રાજકીય નેતાઓ આગામી ચૂંટણી માટે ટિકિટ મેળવવા દોડધામ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સામાન્ય જનતા, ખાસ કરીને મહિલા મતદારો ટીપું પાણી મેળવવા માટે મહાનગરપાલિકાના ધક્કા ખાવા મજબૂર બની છે.
સ્થાનિક મહિલાઓએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા પખવાડિયાથી સોસાયટીમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી. આ અંગે રજૂઆત કરવા માટે મહિલાઓ પોતાના ખર્ચે ભાડું ભરીને વારંવાર પાલિકા કચેરીએ જાય છે, પરંતુ ત્યાં કોઈ જવાબદાર અધિકારી મળતા નથી. આટલું જ નહીં, અધિકારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી, જેના કારણે “અમારે ન્યાય માટે ક્યાં જવું?” તેવો પ્રશ્ન ઉમિયા પાર્ક સોસાયટીના રહીશોમાં ઉઠ્યો છે.











