MORBI:મોરબીમાં આઇશર ટ્રક ચાલકે ટ્રાફિક પોલીસ મોટર સાયકલને ટક્કર મારી, બંને જવાનોને ગંભીર ઈજા

MORBI:મોરબીમાં આઇશર ટ્રક ચાલકે ટ્રાફિક પોલીસ મોટર સાયકલને ટક્કર મારી, બંને જવાનોને ગંભીર ઈજા
મળતી માહિતી અનુસાર મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ મનજીભાઈ સોલગામા અને તેમની સાથે કોન્સ્ટેબલ ભાવેશભાઈ નાટડા તથા ટી.આર.બી. જવાન મેહુલભાઈ ભોજાભાઈ સીતાપરા ગઈકાલ તા.૩૧/૦૧ સવારથી મોરબી-૨ સીટી વિસ્તારમાં ટ્રાફિક નિયમન કામગીરી પર હતા. ત્યારે ગેંડા સર્કલથી રવિરાજ ચોકડી તરફ જતા સનુરા સીરામિક સામે ચામુંડા હોટલ પાસે, મહેન્દ્રનગર ચોકડી તરફથી એક આઇશર ટ્રક નં. જીજે-૦૧-સીઝેડ-૯૩૨૪ રોંગ સાઇડમાં આવી રહ્યું હતું. જેથી આ આઇસરને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ આઇસર ચાલકે પોતાનું વાહન આગળ જવા દીધું હતું. આ સાથે હેડ કોન્સ. કિશોરભાઈ મનજીભાઈ સોલગામા અને ટી.આર.બી. જવાન મેહુલભાઈ મોટર સાયકલ લઈને તેની પાછળ ગયા ત્યારે આઇશર ટ્રકના ચાલકે આગળ જઈ યુ-ટર્ન લીધો અને ફુલ સ્પીડમાં તેમની સામે આવી મોટર સાયકલને જોરદાર ટક્કર મારી બંને મોટર સાયકલ સવાર જવાનોને ફંગોળ્યા હતા, આ અકસ્માતમાં કિશોરભાઈના ડાબા ખભામાં ફ્રેક્ચર થયું અને મેહુલભાઈને ડાબા ઘૂંટણમાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી આ આઇશર ટ્રકનો ચાલક ઘટના સ્થળે વાહન રેઢું મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ ફરાર આઇસર ચાલક આરોપીની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.






