MORBI:”ખેતર બચશે તો જ ખેતી થશે!”, મોરબી બહાદુરગઢના ખેડૂતો પોતાની જમીન બચાવવા મેદાને

MORBI:”ખેતર બચશે તો જ ખેતી થશે!”, મોરબી બહાદુરગઢના ખેડૂતો પોતાની જમીન બચાવવા મેદાને
વિકાસના નામે ખેતીના વિનાશ સામે મોરબીના ખેડૂતોનો બુલંદ અવાજ; કલેક્ટર કચેરીએ ન્યાયની માંગ સાથે રજૂઆત
“ખેતર વધે તો ખેતી કરીશું ને! જો આખા ખેતરમાં થાંભલા જ આવી જશે તો અમે વાવીશું શું?” – આ કરુણ અને વેધક સવાલ સાથે મોરબીના બહાદુરગઢ ગામના ખેડૂતોએ પોતાની કિંમતી જમીન બચાવવા માટે જંગ છેડ્યો છે. ખેતીને જીવંત રાખવા અને આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આજે બહાદુરગઢના ખેડૂતો મોટી સંખ્યામાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.
બહાદુરગઢ ગામના ખેડૂતોએ કેપીએસ-૩, એચડીવીસી ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવતી નવી વીજ લાઈનનો સખત વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની લાગણી છે કે ખેતર એ માત્ર જમીનનો ટુકડો નથી, પણ પરિવારનું ગુજરાન ચલાવતું સાધન છે. વારંવાર પસાર થતી વીજ લાઈનોને કારણે ખેતી કાર્યમાં અવરોધ ઊભો થાય છે અને જમીનની ફળદ્રુપતા તેમજ ઉપયોગિતા ઘટે છે.
૭૦ ટકા જમીન તો પ્રોજેક્ટ્સમાં ગઈ, હવે બાકીની તો બચવા દો! ખેડૂતોએ રજૂ કરેલા આંકડા આંખ ઉઘાડનારા છે. ગામની સીમમાં હાલમાં ૪ હેવી વીજ લાઈનો ૫ નર્મદાની કેનાલો ૧ ગેસની પાઈપલાઈન આ તમામ પ્રોજેક્ટ્સને કારણે ગામની ૭૦% ખેતીલાયક જમીન અગાઉ જ વપરાઈ ગઈ છે અથવા નષ્ટ થઈ છે. હવે માત્ર ૩૦% જમીન જ બચી છે, જેમાં ખેડૂતો મહેનત કરીને સોનું પકવી રહ્યા છે. જો આ બાકી રહેલી જમીનમાં પણ વીજ કંપનીના થાંભલા આવશે, તો ખેડૂતો પાસે ખેતી કરવા માટે જમીન જ નહીં બચે.ખેડૂતોએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે આ વીજ લાઈનનું કામ તાત્કાલિક અટકાવવામાં આવે. વિકાસ જરૂરી છે, પણ તે ખેડૂતના ભોગે ન હોવો જોઈએ. ખેડૂતોએ એકસૂરે જણાવ્યું હતું કે, તેઓ ખેતી બચાવવા માટે કોઈપણ ભોગે લડત ચાલુ રાખશે.!










