HALVAD:હળવદના કડીયાણા ગામે તસ્કરોનો આતંક: એકસાથે 4 મકાનોના તાળા તૂટ્યા, સોના-ચાંદી અને બાઈકની ચોરી

HALVAD:હળવદના કડીયાણા ગામે તસ્કરોનો આતંક: એકસાથે 4 મકાનોના તાળા તૂટ્યા, સોના-ચાંદી અને બાઈકની ચોરી
હળવદ તાલુકામાં જાણે તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ થોડા દિવસો પહેલા સૂરવદર ગામે થયેલી ચોરીની શાહી સુકાઈ નથી, ત્યાં ગત રાત્રિએ કડીયાણા ગામે તસ્કરોએ ત્રાટકીને ભારે તરખાટ મચાવ્યો છે. 4 જેટલા મકાનોને નિશાન બનાવી તસ્કરો લાખોની મતા ચોરી કરી ફરાર થઈ ગયા છે.
લાઈટ ફેંકીને CCTVને થાપ આપવાનો પ્રયાસ ગામમાં લગાવેલા CCTV કેમેરામાં 4 તસ્કરો કેદ થયા છે. જોકે, આ તસ્કરો રીઢા ગુનેગાર હોય તેમ, કેમેરામાં પોતાનો ચહેરો ન ઓળખાય તે માટે કેમેરા સામે લાઈટો ધરી હતી. આ ચાલાકી છતાં તસ્કરોની હિલચાલ કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તસ્કરો મકાનોમાંથી નીચે મુજબની ચીજવસ્તુઓ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે: સોનું: આશરે 2 તોલા સોનાના દાગીના.ચાંદી: 500 ગ્રામ ચાંદીના દાગીના.રોકડ: અંદાજે 30,000 રૂપિયાની રોકડ રકમ. ઘર આંગણે પાર્ક કરેલું 1 બાઈક.પોલીસ માટે મોટો પડકાર એક જ પંથકમાં ટૂંકા ગાળામાં સૂરવદર અને હવે કડીયાણા ગામે થયેલી ચોરીને પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રિ પેટ્રોલિંગના અભાવે તસ્કરો બેફામ બન્યા છે. હાલ હળવદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.











