BANASKANTHAGUJARATPALANPUR

૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

19 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

થરાદના આનંદનગર પ્રાથમિક શાળાના નવનિર્મિત સંકુલનું કરાયું લોકાર્પણ ભણતર ભવ સુધારે એ વાક્ય માત્ર કહેવા પૂરતું નથી, પરંતુ તેનો અર્થ જીવન ઘડતર માટે ખૂબ જ ઊંડો છે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી આપણે રોજગારી મેળવવા મહેનત કરીએ છીએ, તેવી જ મહેનત પોતાના બાળકોના ભણતર માટે કરવી જોઈએ:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરાતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવાઓ મળી રહેશે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી. અધ્યક્ષશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શાળાના ૧ થી ૩ નંબર મેળવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “ભણતર ભવ સુધારે” એ વાક્ય માત્ર કહેવા પૂરતું નથી, પરંતુ તેનો અર્થ જીવન ઘડતર માટે ખૂબ જ ઊંડો છે. તેમણે કહ્યું કે, આજની સદી એ જ્ઞાનની સદી છે અને કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ આવશ્યક છે. જેમ આપણે પોતાના માટે રોજગારી મેળવવા મહેનત કરીએ છીએ, તેવી જ મહેનત પોતાના બાળકોના ભવિષ્ય માટે તેમના ભણતર માટે પણ કરવી જોઈએ.તેમણે બાળકો સાથે સંવાદ કર્યો અને વાલીઓને શિક્ષણને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું હતું. ત્યારબાદ અધ્યક્ષશ્રીએ શાળાની કમ્પ્યુટર લેબ અને ડિજિટલ ક્લાસ રૂમની મુલાકાત લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. શિક્ષણક્ષેત્રમાં થઇ રહેલા ડિજિટલ પરિવર્તનને તેમણે બિરદાવ્યું હતું. આ અવસરે શાળાના આચાર્યશ્રીએ અધ્યક્ષશ્રીનું સાદર અભિવાદન કરીને સમગ્ર સંસ્થાની સમર્પિત સેવા અંગે માહિતી આપી હતી. અધ્યક્ષશ્રીએ શાળાની પ્રગતિમાં સહયોગ આપનાર આંજણા કલબી પટેલ સમાજ સેવા સંઘના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રીએ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. આંજણા કલબી પટેલ સમાજ સેવા સંઘ દ્વારા નિ:શુલ્ક ચોપડાનું વિતરણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણવિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે શ્રી સચ્ચિદાનંદ વન, થરાદ ખાતે એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ નગરપાલિકા, સામાજિક વનીકરણ વિભાગ તથા શ્રી સચ્ચિદાનંદ સંસ્થાના સંયુક્ત સહયોગથી સ્થાનિક વૃક્ષોનું પ્લાન્ટેશન કરાયું હતું. આ સ્થળે ૧૦ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરાશે.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી કે.એચ.વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કેતનગીરી પાબુવંસી, સરપંચશ્રી, સ્થાનિક પદાધિકારીઓ, એસ.એમ.સીના અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષણગણ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!