વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ પ્રવાસીઓને ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી..
તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ પ્રવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.આ કાર્યક્રમમાં વઘઈના તમામ સમુદાયના લોકો અને વેપારીઓએ એકસાથે જોડાઈને શહીદોને યાદ કર્યા હતા.સાંજે વઘઈ બસ સ્ટેન્ડથી કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. હાથમાં મીણબત્તીઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સંપૂર્ણ શાંતિ સાથે વઘઈ સર્કલ સુધી રેલી યોજી હતી.આ મૌન રેલી ગાંધી મેદાન ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી.ગાંધી મેદાન ખાતે શહીદોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.અહી ઉપસ્થિત સૌ કોઈએ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ ઉપરાંત, દુઃખની આ ઘડીમાં શહીદોના પરિવારજનોને સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.લોકોએ મીણબત્તી પ્રગટાવીને શહીદોને પોતાની ભાવના વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં વઘઈના તમામ વર્ગના લોકોએ એકત્ર થઈને આતંકવાદ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને શહીદોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી..