ડાંગ-તાપી સરહદ પર 10થી વધુ સાગી વૃક્ષો કાપી વિરપન્નો ફરાર,તાપી વન વિભાગના વિસ્તારમાં વિરપન્નો બેખોફ બન્યા..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ અને તાપી જિલ્લાની સરહદ પર આવેલા ગાઢ જંગલો ફરી એકવાર લાકડા ચોરોનાં નિશાન બન્યા છે.ભારે વરસાદ અને રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને તસ્કરોએ ડાંગ જિલ્લાનાં ભેંસકાતરી જંગલ વિસ્તારની હદ અને તાપી જિલ્લાનાં વ્યારા રેન્જની હદને અડીને આવેલા વ્યારા રેંજનાં અંતાપુર રાઉન્ડનાં આમણીયા બીટ જંગલ વિસ્તારમાં આતંક મચાવ્યો છે.દસથી વધુ કિંમતી ઈમારતી સાગી વૃક્ષોને અત્યાધુનિક કટર મશીન વડે કાપીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.આ ઘટનાએ તાપી વન વિભાગની જંગલ સુરક્ષાની વ્યવસ્થા અને સતર્કતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ડાંગ જિલ્લાની ભેંસકાતરી સરહદ પર તાપી જિલ્લાની હદમાં આવેલા જંગલ વિસ્તારમાં બની હતી.છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જંગલોમાં અવરજવર ઓછી થઈ ગઈ હતી અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી.આ પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવીને લાકડા ચોરોનું એક જૂથ સક્રિય બન્યુ હોય તેવું જણાઈ રહ્યુ છે.તેમણે રાત્રિના સમયે ગુપ્ત રીતે જંગલમાં પ્રવેશ કર્યો હોય અને અંધારાનો લાભ લઈને 10થી વધુ વિશાળ અને કિંમતી સાગી વૃક્ષોને નિશાન બનાવ્યા હતા.તસ્કરોએ વૃક્ષો કાપવા માટે પરંપરાગત કુહાડીઓને બદલે આધુનિક કટર મશીનનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વૃક્ષો ઝડપથી અને અવાજ કર્યા વિના કાપી શકાયા.વૃક્ષો કાપ્યા બાદ તસ્કરો તાત્કાલિક લાકડાના મોટા ટુકડાઓ સાથે ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા.આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કપાવા છતા તાપી જિલ્લાનાં વ્યારા વન વિભાગને તેની જાણ ન થવી તે ચોંકાવનારી બાબત છે.સામાન્ય રીતે આવા સંવેદનશીલ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને વોચ ટાવર મારફતે નિરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે આ ઘટના તાપી વન વિભાગની ગંભીર બેદરકારી સૂચવે છે.આ ઘટનાએ માત્ર વન વિભાગની કામગીરી પર જ નહીં, પરંતુ જંગલ સંરક્ષણની નીતિઓ પર પણ સવાલો ઉભા કર્યા છે.સાગી વૃક્ષોનો વિકાસ થવામાં દાયકાઓ લાગી જાય છે, અને એકસાથે આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કપાઈ જવાથી પર્યાવરણને અકલ્પનીય નુકસાન થયું છે.સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ અને સામાજિક કાર્યકરોએ આ ઘટનાની કડક નિંદા કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.જોકે તાપી વન વિભાગ ગુનેગારોને પકડી પાડીને જંગલ સંપત્તિના આવા મોટાપાયે થતા નુકસાનને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેશે કે પછી આ ઘટના પણ અન્ય ચોરીઓની જેમ માત્ર તપાસના કાગળો પર જ સિમિત રહેશે તે તો આવનાર દિવસોમાં જોવુ જ રહ્યુ.આ બાબતે ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ભેંસકાતરી રેંજના આર. એફ.ઓ સમીરભાઈ કોંકણીને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે ડાંગ ભેંસકાતરી અને તાપીની સરહદનાં જંગલ વિસ્તારમાં સાગી લાકડાનું કટિંગ થયાનું ધ્યાનમાં આવતા અમોએ વનકર્મીઓની ટીમ સાથે તુરંત જ સ્થળની મુલાકાત લીધી હતી.જ્યાં સાગી વૃક્ષોનું કટિંગ થયુ છે તે વિસ્તાર અમારા રેંજમાં લાગુ પડતો નથી.આ વિસ્તાર તાપી જિલ્લાનાં વ્યારા રેંજમાં લાગુ પડે છે.ડાંગની ભેંસકાતરી રેંજનાં જંગલ વિસ્તારમાં લાકડા કટિંગની કોઈ પણ પ્રવૃત્તિ જણાયેલ નથી.અમારી વનકર્મીની ટીમ રાત્રીનાં સમયે પણ પેટ્રોલિંગની સાથે રાઉન્ડ ધ કલોકની કામગીરી કરી રહી છે..