મોટી દુર્ઘટના ટળી:ભરુચના કસક ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાંથી મેટલો નીચે પડી, સદનસીબે વાહન ચાલકોનો બચાવ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં આવેલા રેલવે ગરનાળા પરથી પસાર થતી માલગાડી ટ્રેનની બેદરકારી સામે આવી છે જેમાં માલગાડીમાં ભરેલા મેટલ ગરનાળા નીચે પડ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકો ઊભા રહી જતાં કોઈને ઈજાઓ પહોંચી ન હતી. પરતું હા માર્ગ પર પડેલા મેટલના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.
ભરૂચના સ્ટેશન નજીક કસક ગરનાળુ આવેલું છે તેમાં ઉપરથી રેલવે લાઈન પસાર થાય છે.જ્યારે નીચેથી બાઈકો અને ફોર વ્હીલ ચાલકો પસાર થાય છે.આજે બપોરના 2:45 વાગ્યાના સુમારે કસક ગરનાળા પરથી ટ્રેક પર મેટલ ઠાલવતી માલગાડી પસાર થઈ રહી હતી તે સમયે અચાનક માલગાડી માંથી મેટલો નીચે પડવા લાગ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દેતાં કોઈને કઈ પણ પ્રકારની ઇજાઓ પહોંચી ન હતી.પરતુ મેટલ માર્ગ પર પડતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને વાહનો પસાર કરવામાં મુશ્કેલીઓ પડી હતી. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતી તેમની કામગીરી દરમિયાન કામ કરતાં કામદારો વધુ ધ્યાન આપે તો આવી ઘટનાઓ બનતી અટકી શકે છે.




