Rajkot: આગોતરા શુભેચ્છા સંદેશ સાથે દિવાળી પર્વ નિમિત્તે કટોકટી પૂર્વાયોજન સાથે સુસજ્જ ૧૦૮ સેવાની ટીમ
તા.૨૩/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
એમ્બ્યુલન્સની વ્યુહાત્મક ગોઠવણી સાથે કોલ સેન્ટર અને ફીલ્ડના કર્મચારીઓ ૨૪x૭ ઉપલબ્ધ રહેશે
Rajkot: ગુજરાત દિવાળીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી માટે તૈયાર છે. દિવાળીના તહેવારનો ઉમંગ ત્રણ મુખ્ય દિવસો પર કેન્દ્રિત છે: દિવાળી, ગુજરાતી નવું વર્ષ અને ભાઈબીજ. ગુજરાત સરકારના ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા આ દિવસોમાં રાજ્યભરમાં આપતકાલીન બનાવો બનવાની સંભાવના અંગે આગોતરૂં આયોજન કરાયું છે.
જે મુજબ આ વર્ષે દિવાળી પર ૪૬૧૮ (સામાન્ય દિવસોની સરખામણીએ ૨.૫૩% વધારે), નવા વર્ષના દિવસે ૫૨૩૧ (સામાન્ય દિવસોની સરખામણીએ ૧૬.૧૪% વધારે) અને ભાઈબીજ પર ૫૦૯૩ (સામાન્ય દિવસોની સરખામણીએ ૧૩.૦૮% વધારે) અકસ્માતોની શકયતા દર્શવાઇ છે. રોડ.અકસ્માત દિવાળીએ ૭૯૫, નવા વર્ષના દિવસે ૧૧૨૩ અને ભાઈબીજ પર ૭૧૭, શારીરિક હુમલાઓ દિવાળીએ ૨૯૯, નવા વર્ષના દિવસે ૨૮૭ અને ભાઈબીજ પર ૧૮૩, પડી જવાથી ઇજા દિવાળીએ ૨૨૮, નવા વર્ષના દિવસે ૨૩૮ અને ભાઈબીજ પર ૨૨૭, દાઝવાના કેસ દિવાળીએ ૨૩, નવા વર્ષના દિવસે ૧૩ અને ભાઈબીજ પર ૧૦ ઘટના બનવાની શકયતા છે.
૧૦૮ ટીમ ઈમરજન્સી કોલ વોલ્યુમના આ સંભવિત વધારાની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એમ્બ્યુલન્સની વ્યુહાત્મક ગોઠવણીની વ્યવસ્થા ઘડવામાં આવી છે. જેથી, આપતકાલીન સેવાઓ ઝડપથી ઉપલબ્ધ થાય. તહેવાર દરમિયાન કોલ સેન્ટર અને ફીલ્ડ સ્ટાફના મોટા ભાગના કર્મચારીઓ ફરજ પર રહેશે અને ઓછામાં ઓછી રજાઓ મંજૂર કરવામાં આવશે. સુપરવાઈઝરી સ્ટાફ ૨૪x૭ ઉપલબ્ધ રહેશે. જેથી, હોસ્પિટલ અને ફીલ્ડ ઓપરેશન વચ્ચે સુમેળ અને સંકલન જળવાઈ રહે. ૧૦૮ ટીમ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપતકાલીન પરિસ્થિતિમાં ઝડપથી પ્રતિસાદ આપવા સજ્જ છે, તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાના સી.ઓ.ઓ.શ્રી જશવંતભાઈ પ્રજાપતિનો દિવાળી પર્વ નિમિત્તે શુભેચ્છા સંદેશ
“૧૦૮-ઈ.એમ.એસ. તરફથી હું તમામ નાગરિકોને સુરક્ષિત અને સમૃદ્ધ દિવાળી માટે શુભેચ્છા પાઠવું છું. તહેવારની ઉજવણીમાં મગ્ન થતી વેળાએ, નાગરિકોને થોડા જરૂરી પગલાં લેવા વિનંતી કરું છું. દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતોના મોટા પ્રમાણમાં બનાવો જોવા મળતા હોવાથી, હું નમ્ર વિનંતી કરું છું કે તમે સાવચેત અને સુરક્ષિત રીતે મુસાફરી કરો. પેટ સંબંધિત સમસ્યાઓ ટાળવા માટે ગુણવત્તાવાળો અને પૂરતા પ્રમાણમાં આહાર લેવો પણ મહત્વનો છે. ઉપરાંત, તમારી આસપાસ શાંતિપૂર્ણ વાતાવરણ રાખીને શારીરિક ઝઘડાઓ અટકાવવાનો પ્રયાસ કરવો.
આ સરળ પગલાં આપતકાલીન પરિસ્થિતિઓને ટાળવામાં મદદરૂપ થશે. જો આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય, તો તરત જ ૧૦૮ પર સંપર્ક કરીને કોઈપણ નાગરિક ૨૪x૭ તાત્કાલિક મદદ મેળવી શકે છે. ૧૦૮-ઈ.એમ.એસ.ની ટીમ તહેવાર દરમિયાન નાગરિકોની સલામતી અને આરોગ્ય માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. સુરક્ષિત અને સુખદ દિવાળીની શુભકામનાઓ!”