વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા તેમજ ગુજરાતના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યભરના યુવા શિક્ષણ સહાયકો માટે હાલમાં નિમણૂંક પત્ર વિતરણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ડાંગ જિલ્લાની ધોરણ ૧ થી ૫ ધોરણ સુધીની શાળાઓમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને તથા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન બીબીબેન ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાની ઉપસ્થિતમા કુલ ૪૬ જેટલાં નવનિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂંક હુકમ પત્રકો એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઇને જણાવ્યું હતું કે, શિક્ષક બનવું અને નિર્દોષ બાળકોને શિક્ષણ આપવું એ સૌભાગ્યનું કામ છે. ત્યારે સૌ શિક્ષણ મિત્રો પોતાની ફરજ અદા કરે અને વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપી સારી દિશામાં પ્રેરણા આપે તે અનિવાર્ય છે. વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાનું ધન પીરસવું એ અતિ પુણ્યનું કામ છે. વિદ્યા જેટલી આપશો એટલી વધશે. માટે શિક્ષણમાં વિદ્યાનું જ્ઞાન આપતાં રહેવુ જરૂરી છે. સાથે જ સારૂં શિક્ષણ આપી વિદ્યાર્થીઓને દેશના શિક્ષિત નાગરિક બનાવો તેમ તેમણે જણાવ્યું હતું.
ધોરણ ૧ થી ૫ ના ભુલકાઓને મુખ્ય પાયાનું શિક્ષણ આપવાનું સૌભાગ્ય મળવું એ ખુબ જ નસીબની વાત છે. તેમ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી બીબીબેન ચોધરીએ જણાવ્યું હતું. “વિશ્વની મહાન હસ્તીઓ વિશ્વ પ્રસિધ્ધ થઇ છે તે દરેકના મૂળમાં ગુરુ નું સ્થાન રહેલું છે” માતા પિતા પછી માનવ જીવનમા બીજું સ્થાન હંમેશા ગુરુ નું જ છે. જેથી શિક્ષકો તે ફરજ નિભાવે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેમ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. વસાવાએ આ પ્રસંગે જણાવ્યું હતું.જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઇ દેશમુખ, કેળવણી નિરીક્ષક વિજયભાઇ ખાંભુ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.