GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં “વન સ્ટેશન વન પ્રોડક્ટ”યોજના અંતર્ગત રેલ્વે સ્ટેશન ખાતે રાખીની સ્ટોલ શરૂ કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

“વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના: સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે મંચ

*દરેક રેલ્વે સ્ટેશનને એક સ્થાનિક પ્રોડક્ટ સાથે જોડવાનો અનોખો વિચાર: દેશના ૧૫૦૦થી વધુ રેલવે સ્ટેશનો પર હજારો OSOP સ્ટોલ કાર્યરત*

*જિલ્લાની તમામ સ્વસહાય જુથોને લાભ મળે તે હેતુથી દર ૧૫ દિવસે એક-એક સખી મંડળને રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોલ ફાળવણી કરવામાં આવે છે*

નવસારી,તા.૨૨: કેંદ્ર સરકાર દ્વારા “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત દેશભરના ૧૫૦૦થી વધુ રેલ્વે સ્ટેશનો પર હજારો OSOP સ્ટોલ કાર્યરત છે. આ યોજના અંતર્ગત આજરોજ નવસારી જિલ્લાના રેલ્વે સ્ટેશન ખાતે રાખી સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના થકી નવસારી જિલ્લાની સખી મંડળની બહેનોને રેલ્વે સ્ટેશન ઉપર નિમ્ન દરે સ્ટોલ્સ પ્રાપ્ત થયો છે.

આજરોજ નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી. એમ. પંડયા સહિત સ્ટેશન માસ્તર શ્રી સુનીલ પાલ, ડેપ્યુટી સ્ટેશન માસ્તરશ્રી મુરારિલાલએ આ સ્ટોલની મુલાકત લઇ સ્વસહાય જુથની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ DLM શ્રી ચિરાગભાઈ અને NRLM યોજનાના કર્મચારીઓ પણ ઉપસ્થત રહી એસએચજીની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધનના તહેવાર છે. આ તહેવાર દરમિયાન અનેક બહેનો ભાઇઓ માટે રાખડીની ખરીદી કરતી હોય છે આ સાથે ટ્રેન મારફત પણ અનેક લોકો મુસાફરી કરતા હોય છે આ બાબતને અનુલક્ષીને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધકવાડા ગામની મંદિર ફળિયાની રામદેવપીર સખી મંડળને હેન્ડમેડ જ્વેલરી,તોરણો અને રાખડીની સ્ટોલની પસંદગી કરવામાં આવી છે.

નોંધનિય છે કે, આજના સ્ટોલ સાથે ચોથી વખત “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત સ્ટેશન ખાતે સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. આ યોજનામાં નવસારી જિલ્લાની તમામ સ્વસહાય જુથોને લાભ મળે તે હેતુથી દર ૧૫ દિવસે એક-એક સખી મંડળને રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોલ ફાળવણી કરવામાં આવે છે. જેના કારણે નવસારી જિલ્લાની સ્વસહાય જૂથો અને સ્થાનિક કલાકારોને પોતાના ઉત્પાદનો સ્ટેશન ખાતે વેચવાની સાથે આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવાનો નવો અવસર મળ્યો છે. આ અગાઉ સહયાદ્રિ સખી મંડળ, જે.જે મહિલા ગૃપ, જ્ય અંબે સખી મંડળ જલાલપોરને આ યોજના અંતર્ગત સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્રિય રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્રિય બજેટ ૨૦૨૨-૨૩દરમિયાન જાહેર કરાયેલ “વન સ્ટેશન વન પ્રોડક્ટ” (OSOP) યોજના સ્થાનિક હસ્તકલા અને ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે શરૂ કરવામાં આવી હતી. માર્ચ ૨૦૨૨થી આ યોજના પાયલોટ તબક્કામાં શરૂ થઈ હતી અને જેને હવે દેશભરના અનેક રેલવે સ્ટેશનો ઉપર અમલમાં મૂકવામાં આવી રહી છે.

આ યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાને બજાર આપવાનો છે. “આત્મનિર્ભર ભારત” અભિયાનને વેગ આપવા સહિત આ યોજના મુસાફરોને મુસાફરી દરમિયાન વિવિધ પ્રદેશની સંસ્કૃતિ અને કળાનો અદ્વિતીય અનુભવ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નાના વેપારીઓ, શિલ્પીઓ, હસ્તકલાકારો અને મહિલા સ્વસહાય જૂથોને રોજગારીના નવા અવસર આપવાનું પણ આ યોજનાનું મહત્વનું લક્ષ્ય છે.

યોજનાની વિશેષતાઓમાં દરેક રેલવે સ્ટેશનને એક સ્થાનિક પ્રોડક્ટ સાથે જોડવાનો અનોખો વિચાર છે. સ્ટેશન પર ઉભા કરવામાં આવેલા OSOP સ્ટોલ્સ પર નાના વેપારીઓ, શિલ્પીઓ અને સ્વસહાય જૂથો તેમના ઉત્પાદનો વેચી શકે છે. મહત્વનું એ છે કે આ સ્ટોલ્સ ૧૫ દિવસ સુધી નિ:શુલ્ક અથવા ખૂબ ઓછી ફી પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી નાના ઉદ્યોગકારો અને હસ્તકલાકારોને વધુમાં વધુ લાભ મળી શકે.

નવસારી જિલ્લામાં આ યોજના અનેક રીતે લાભદાયી સાબિત થઈ રહી છે. સ્થાનિક વ્યવસાયો ખાસ કરીને સ્થાનિક સખી મંડળની બહેનોને સ્ટેશન ખાતે સ્ટોલ મળતા તેઓને પ્રોત્સાહન પુરૂ પાડવાની સાથે સાથે, મુસાફરો માટે વિશિષ્ટ ખરીદીનો અનુભવ પણ થાય છે. નાના વ્યવસાયિકો માટે જિલ્લાના મુખ્યમથકે રેલ્વે સ્ટેશન ખાતે ખુબ ઓછા દરે સ્ટોલ મળવી ખુબ મોટી બાબત છે. જે રોજગારીના નવા અવસરો ઉભા કરવા અને “વોકલ ફોર લોકલ” અભિયાનને મજબૂત કરવા જેવા લાભો OSOP યોજનાની સફળતા દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!