Rajkot: ‘પ્લાસ્ટિક મુક્ત રાજકોટ’ના સંદેશ સાથે ૨૯મીએ સવારે યોજાશે વોકેથોન
તા.૨૮/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’માં જોડાવા આમંત્રણ
Rajkot: ભારત સરકારે આ વર્ષે પાંચમી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી માટે ‘વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ થીમ નિર્ધારિત કરી છે. જે અન્વયે ‘પ્લાસ્ટિક પ્રદૂષણ’ને દૂર કરવા ૨૨મી મેથી પાંચ જૂન સુધી પ્રિ-કેમ્પેઈન ચાલી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ અભિયાનને વેગ આપવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટસ્ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ૨૯મી મેના રોજ સવારે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વોકેથોન ૨૯મીને ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડથી શરૂ થશે. જેમાં રાજકોટના રમતવીરો તેમજ કોચ પણ જોડાશે. વોકેથોનમાં ‘‘આવો, સાથે મળીને પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવીએ’’નો સંદેશ આપવામાં આવશે. આ વોકેથોનમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.