MORBI:મોરબીના ઝીકીયારી ગામે માતા-બહેનની હત્યા કરનારને આજીવન કેદની સજા

MORBI:મોરબીના ઝીકીયારી ગામે માતા-બહેનની હત્યા કરનારને આજીવન કેદની સજા
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના ઝીકીયારી ગામમાં માતા અને બહેનને રસોઈ બનાવવા બાબતે બોલાચાલી કરતી હોય જેથી યુવાને માતા-બહેનમાંથી કોઈ એકને રસોઈ બનવાનું કહેવા છતાં રસોઈ કરી ના હોય જેથી ગુસ્સો આવતા યુવાને લોખંડના ધારિયા વડે માતા અને બહેનને ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી જે ડબલ હત્યા કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ આ કેસની વિગતો મુજબ તારીખ ૮-૧૧-૨૦૨૦ નાં રોજ ઝીકીયારી ગામે રહેતા દેવશીભાઈએ તેની માતા કસ્તુરબેન અને બહેન સંગીતાને ધારિયાના ઘા મારી દેતા બંન્ને લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડ્યા હતા રાત્રીના રસોઈ બનાવવા બાબતે માતા કસ્તુરબેન અને બહેન સંગીતાબેન બન્ને બોલાચાલી કરતા હોય અને દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાએ એકને રસોઈ બનાવવાનું કહેતા બંન્નેએ રસોઈ કરી ના હોય જેથી દેવશીભાઈએ ગુસ્સે થઈને ઘારીયા વડે માતા કસ્તુરબેન અને બહેન સંગીતાને ઘારીયાનો ઘા ઝીંકી દેતા મોત થયું હતું જે બનાવ મામલે મૃતકના સગાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.
જે ડબલ હત્યાનો કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટ મોરબીમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજ્યકુમાર જાનીએ કોર્ટમાં ૧૮ મૌખી પુરાવા અને ૨૯ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી દેવશીભાઈ ઉર્ફે કાળુભાઈ સવજીભાઈ ભાટિયાને આઈપીસી કલમ ૩૦૨ ના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા ૧૦ હજાર દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે.







