AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લામાં ‘સંગઠન સૃજન અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો..

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

તાલુકા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ..

કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત બનાવવાનાં હેતુથી અને વર્ષ ૨૦૨૫ને ‘સંગઠન વર્ષ’ તરીકે ઉજવવાનાં નિર્ણયના ભાગરૂપે ગુજરાતમાં ‘સંગઠન સૃજન અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓમાં પાયાના સંગઠનને પુનર્જીવિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં પણ આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં તાલુકા પ્રમુખોની પસંદગી માટેની પ્રક્રિયા ચાલી રહી છે.આ અભિયાનના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં તાલુકા પ્રમુખ પદ માટે દાવેદારી કરી રહેલા ઉમેદવારો અને કાર્યકરોના મંતવ્યો જાણવા માટે ‘સેન્સ’ લેવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી, જેમાં નિઝર વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામિત અને તાપી જિલ્લા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાજેશભાઈ ગામીતનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકોએ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેલભાઈ ઠાકરેની આગેવાની હેઠળ આહવા અને વઘઈ ખાતે સંગઠન સૃજનની મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી.આ બેઠકોમાં ડાંગ જિલ્લાના પૂર્વ પ્રમુખો, વિવિધ હોદ્દેદારો, પક્ષના સક્રિય કાર્યકરો, સ્થાનિક સરપંચો, અને તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે સંગઠનને વધુ સક્ષમ બનાવવાનો હતો. બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકરો અને આગેવાનોએ એકજૂથ થઈને કામ કરવાનો અને પક્ષને મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો.આ અભિયાનથી સ્થાનિક સ્તરે કોંગ્રેસના કાર્યકરોમાં નવચેતનનો સંચાર થયો છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા કાર્યકરોને સંગઠનમાં જોડવાનો અને તેમને જવાબદારી સોંપવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તે આવકારદાયક છે. ડાંગ જિલ્લામાં આ અભિયાન દ્વારા નવા અને સક્રિય ચહેરાઓને તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવશે તેવી અપેક્ષા છે, જેનાથી પક્ષને ભવિષ્યમાં વધુ મજબૂતી મળશે.

Back to top button
error: Content is protected !!