MALIYA (Miyana) માળીયા મીયાણા નજીક સીએનજી રીક્ષા માંથી 300 લીટર દેશી દારૂ ઝડપાયો

MALIYA (Miyana) માળીયા મીયાણા નજીક સીએનજી રીક્ષા માંથી 300 લીટર દેશી દારૂ ઝડપાયો
માળિયા મિયાણામાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. તાજેતરમાં ભીમસર ચોકડી પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક CNG રિક્ષામાંથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસને જોઈ રિક્ષા ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો.
માળિયા (મી) પોલીસની ટીમ જ્યારે નાઈટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે હળવદ તરફથી એક CNG રિક્ષામાં દેશી દારૂ ભરીને કચ્છ તરફ જઈ રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે ભીમસર ચોકડી નજીક નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.તપાસ દરમિયાન GJ-36-W-1179 નંબરની રિક્ષા આવતા પોલીસે તેને ઉભી રાખવા ઇશારો કર્યો હતો, પરંતુ રિક્ષા ચાલકે ધરપકડના ડરથી રિક્ષા ઉભી રાખવાને બદલે ઝડપથી ભગાડી મૂકી હતી. પોલીસે રિક્ષાનો પીછો કરતા ચાલક રિક્ષા રસ્તા પર જ રેઢી મૂકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યો હતો.પોલીસે રિક્ષાની તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલો ૩૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૬૦,૦૦૦ થાય છે. પોલીસે દારૂ અને રિક્ષા મળીને કુલ રૂ. ૧,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.હાલ પોલીસે ફરાર રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.








