MALIYA (Miyana)માળિયાના ખાખરેચી ગામે ૭૬૫ કેવી વીજલાઇન કામગીરી સામે ખેડૂતોનું આંદોલન આક્રમક
માળિયા ના ખાખરેચી ગામે ૭૬૫ કેવી વીજલાઇન કામગીરી સામે ખેડૂતોનું આંદોલન આક્રમક
મોરબીના માળીયા ના ખાખરેચી ગામે વીજલાઈન માટે ખેતરમાં નહિ ખેડૂતોના કાળજામાં ખાડા થઈ રહ્યા છે આ શબ્દો છે ખાખરેચીના ખેડૂતોના…જેઓ વીજ લાઈન નાખવા મુદ્દે કંપની અને તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. કોંગ્રેસ અગ્રણીઓ અને ખેડૂતો આજે એકઠા થઇ વીજલાઈનનું કામ અટકાવવા પહોંચ્યા હતા પણ કોંગ્રેસના કાર્યક્રમના એલાનને પગલે કંપનીએ આજે કામ બંધ જ રાખ્યું હોવાનું સામે આવ્યું હતું.
ખાખરેચી ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ખેતરોમાંથી વીજ લાઈન નાખવા માટે કામ હાથ ધરવામાં આવ્યું છે. જો કે ખેડૂતોના જણાવ્યા મુજબ જે શરતો નક્કી થઈ હતી. તેની વિરુદ્ધ જઈ ખેડૂતોને ઓછું વળતર મળે તેવી રીતે કંપની કામ કરી રહી છે. બીજી તરફ પંચરોજ કામ કર્યા વગર જ પોલીસને સાથે રાખી ખેડૂતોની મંજૂરી વગર જ બળજબરીથી કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.તેવામાં આજે કોંગ્રેસ અગ્રણીઓએ ખાખરેચી ગામે સભા યોજી કામ અટકાવવાની જાહેરાત કરી હતી. જે મુજન4 પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા, મનોજ પનારા, જિલ્લા પંચાયત સભ્ય નયન અધારા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, માળીયા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સહિતનાએ આજે ગામમાં સભા યોજી હતી. જેમાં સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે તેઓ કામ અટકાવવા પહોંચ્યા હતા. જ્યાં માલુમ પડ્યું હતું કે આજે કંપનીના કોન્ટ્રાક્ટરો આવ્યા નથી ઉપરાંત આજે કામ જ શરૂ કરવામાં આવ્યું નથી.બીજી તરફ કોંગ્રેસના અગ્રણીઓએ ઉપસ્થિત પોલીસ અધિકારી સામે એવો અણીયારો સવાલ ઉઠાવ્યો હતો કે જે હુકમ છે તેમાં માત્ર એટલું જ લખવામાં આવ્યું છે કે કંપનીના કર્મચારીઓને રક્ષણ આપવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યારે પોલીસ આ હુકમથી આગળ વધીને કામ ચાલુ કરાવવા બાબતે બળજબરી કરી રહી છે. જોકે ઉપસ્થિત પોલીસ અધિકારી સમક્ષ દલીલ માટે કોઈ જવાબો ન હતા. બીજી તરફ એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પંચાયત ધારા મુજબ અઢી મીટર થી વધુ ઊંડાઈમાં ખાડા કે બાંધકામ કરવા માટે લગત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની મંજૂરી લેવી જરૂરી હોય છે પણ કંપનીએ આ પ્રકારની કોઈ મંજૂરી લીધી નથી.