MALIYA (Miyana):માળીયા (મી.)મોટા દહીંસરાના તળાવમાં ડૂબી જવાથી ૧૮ વર્ષીય યુવતીનું મોત

MALIYA (Miyana):માળીયા (મી.)મોટા દહીંસરાના તળાવમાં ડૂબી જવાથી ૧૮ વર્ષીય યુવતીનું મોત
મોરબી: જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં તળાવમાં કપડાં ધોવા ગયેલી મોરબીના ત્રાજપર ગામની ૧૮ વર્ષીય યુવતીનું ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ત્રાજપર ગામે રહેતી પુજાબેન મનુભાઇ કુંવરીયા (ઉંમર વર્ષ ૧૮) નામની યુવતી માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે આવી હતી. તે ગામના નાના તળાવે કપડાં ધોવા માટે ગઈ હતી.કપડાં ધોતી વખતે યુવતી તળાવના પાણીમાં ન્હાવા પડી હતી. જોકે, પાણીની ઉંડાઈનો અંદાજ ન આવતા તે અચાનક ડૂબવા લાગી હતી. આસપાસના લોકો દ્વારા તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે યુવતીને તપાસીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગેની જાણ થતા જ માળીયા મિયાણા પોલીસે હોસ્પિટલ પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










