MALIYA (Miyana):માળીયાના રાસંગપર પાસે ખેડૂતોનો રસ્તો રોકો આંદોલન: વીજ કંપનીની દાદાગીરી સામે હાઈવે ચક્કાજામ

MALIYA (Miyana):માળીયાના રાસંગપર પાસે ખેડૂતોનો રસ્તો રોકો આંદોલન: વીજ કંપનીની દાદાગીરી સામે હાઈવે ચક્કાજામ
‘જય જવાન-જય કિશન’ના નારાથી હાઈવે ગુંજ્યો; કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાને, માંગણી ન સંતોષાય ત્યાં સુધી હટવા મનાઈ માળીયા (મી.): માળીયા તાલુકાના રાસંગપર ગામ પાસે આજે સવારથી જ ખેડૂતોએ આક્રમક વલણ અખત્યાર કરી હાઈવે બ્લોક કરી દીધો છે. વીજ કંપનીની મનસ્વી કામગીરી અને કથિત દાદાગીરી સામે ખેડૂતોના રોષનો જ્વાળા ફાટી નીકળ્યો છે. આ આંદોલનમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં જોડાતા મામલો ગરમાયો છે.
રાસંગપર ગામ નજીક હાઈવે પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકીને વાહનવ્યવહાર થંભાવી દીધો હતો. ખેડૂતોએ ‘જય જવાન, જય કિશન’ના ગગનભેદી નારા લગાવી તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી હેરાનગતિ કરવામાં આવી રહી છે અને ખેતીના વીજ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી.
ખેડૂતોના આ ન્યાયી આંદોલનમાં રાજકીય સમર્થન પણ મળ્યું છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ખેડૂત નેતા મહેશભાઈ રાજકોટિયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા અને જય મેરજા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા હતા. નેતાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોની વાજબી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે, ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે.
વીજ કંપનીની કાર્યપદ્ધતિને લઈને ખેડૂતોમાં લાંબા સમયથી અસંતોષ હતો, જે આજે આક્રોશ બનીને રસ્તા પર જોવા મળ્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા સત્વરે કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.







