MALIYA (Miyana):માળીયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ભવ્ય દીક્ષાંત સમારોહ સંપન્ન

MALIYA (Miyana):માળીયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ભવ્ય દીક્ષાંત સમારોહ સંપન્ન
આજરોજ માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર ‘દીક્ષાંત સમારોહ’ (વિદાય સમારંભ) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણના અંતિમ પડાવ પર ઉભેલા વિદ્યાર્થીઓને આશીર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જીવનના આગામી સોપાનમાં પણ શાળાનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓની કારકિર્દી અને જરૂરી દસ્તાવેજોના સંગ્રહને ધ્યાનમાં રાખીને શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થીને 20 ફોલ્ડર વાળી ડોક્યુમેન્ટ ફાઈલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સામે પક્ષે, વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા શાળાને એક સુંદર ભેટ અર્પણ કરી હતી. આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓ માટે ‘પાણીપુરી’ ની મિજબાની રાખવામાં આવી હતી. વિદાયની ક્ષણોમાં પણ આનંદ અને ઉલ્લાસ સાથે બાળકોએ પોતાની શાળાની યાદોને તાજી કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વિધાર્થીઓ, શિક્ષકોશ્રીઓ અને શાળાના આમંત્રણે માન આપી પધારેલ ઉર્વીશાબેન, નમસ્વીબેન અને યસ્વીબેન એ ભારે જહેમત ઉઠાવી હતી. આ રીતે ગઈકાલના સ્મરણો અને આવતીકાલના સપનાઓ સાથે, નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 બાળકોએ નવા શિખરો સર કરવા ડગ માંડ્યા.








