GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

પાકમાં થતી જિવાત નિયંત્રણ માટે પ્રાકૃતિક કૃષિમાં નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વિશે જાણીએ

પ્રાકૃતિક વસ્તુઓની મદદથી ઘર બેઠા વિનામૂલ્યે રાસાયણિક દવાઓના વિકલ્પ જાતે બનાવી શકાય

પ્રાકૃતિક વસ્તુઓની મદદથી ઘર બેઠા વિનામૂલ્યે રાસાયણિક દવાઓના વિકલ્પ જાતે બનાવી શકાય
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક કૃષિ કરવા જ પ્રેરાય તે માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ, સહાય, ખેડૂત જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પાકમાં થતી ચૂસિયા પ્રકારની અને મોટી જીવાતો, ઈયળો અને કીટકોના વ્યવસ્થાપન માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો પડે છે તેને બદલે તેના વિકલ્પમાં પ્રાકૃતિક વસ્તુઓની મદદથી જિવાત નિયંત્રણ બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે. પ્રાકૃતિક કૃષિમાં જેમ ખાતર બની શકે છે તેમ પ્રાકૃતિક વસ્તુઓની મદદથી ઘર બેઠા વિનામૂલ્યે રાસાયણિક દવાઓના વિકલ્પ જાતે બનાવી શકાય છે. જિવાત નિયંત્રણ માટે પ્રાકૃતિક કૃષિમાં નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વિશે જાણીએ
૧) નિમાસ્ત્ર : પાંચ કિ.ગ્રા. લીમડાના લીલા પાન અથવા પાંચ કિ.ગ્રા. સૂકાયેલી લીંબોળી લઈ, ખાંડીને રાખવી. ૧૦૦ લીટર પાણીમાં આ ખાંડેલ લીમડો અથવા લીંબોળીનો પાવડર નાખો. એમાં ૫ લીટર ગૌમૂત્ર નાખો અને ૧ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ ભેળવવું. લાકડીથી આને મિશ્ર કરી ૪૮ કલાક સુધી ઢાંકીને રાખવું. દિવસમાં ત્રણ વખત હલાવવું અને ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળી લેવું. હવે પાક પર છંટકાવ કરો.
૨) બ્રહ્માસ્ત્ર(કીટકો, મોટી જીવાતો અને ઈયળો માટે.) : ૧૦ લીટર ગૌમૂત્ર લો, તેમાં ૩ કિ.ગ્રા. લીમડાના પાન ખાંડીને નાખો. એમાં ૨ કિ.ગ્રા. કરંજના પાન નાખો. જો કરંજના પાન ન મળે તો ૫ કિ.ગ્રા. લીમડાના પાન નાખો, તેમાં ૨ કિ.ગ્રા. સીતાફળના પાન ખાંડીને નાખો. ત્યાર બાદ તેમાં ૨ કિ.ગ્રા. સફેદ ધતુરાના પાન ખાંડીને ઉમેરો. હવે આ મિશ્રણને ગૌમૂત્રમાં ભેળવી અને ઢાંકીને ઉકાળવું. આશરે ૩-૪ વખત ઉભરા આવ્યા પછી તેને ઉતારી લો. ૪૮ કલાક સુધી તેને ઠંડુ થવા દેવું. પછી કપડાથી ગાળીને કોઈ મોટા વાસણમાં ભરીને રાખો. ૧૦૦ લીટર પાણીમાં ૨-૨.૫ લીટરના પ્રમાણમાં ભેળવીને પાક પર છંટકાવ કરવો.
૩) અગ્નિઅસ્ત્ર : વૃક્ષના થડ અથવા દાંડીઓમાં રહેતાં કીટકો, કળીઓમાં રહેતી જીવાતો, ફળોમાં રહેતી જીવાતો, કપાસના કાલામાં રહેતી જીવાતો તેમજ બધા પ્રકારની મોટી જીવાતો અને ઈયળો માટે ૨૦ લીટર ગૌમૂત્ર લો, તેમાં અડધો કિ.ગ્રા. લીલા મરચા ખાંડીને નાખો. અડધો કિ.ગ્રા. લસણ ખાંડીને નાખો. ૫ કિ.ગ્રા. લીમડાના પાન ખાંડીને ઉમેરવા અને આ મિશ્રણને લાકડીથી હલાવવું અને એક વાસણમાં ઉકાળવું. આશરે ૪-૫ વખત ઉકાળ્યા પછી ઉતારી લો. ૪૮ કલાક સુધી તેને ઠંડુ પડવા દેવું. ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળીને એક વાસણમાં ભરીને રાખો. ૧૦૦ લીટર પાણીમાં ૨-૨.૫ લીટરના પ્રમાણમાં ભેળવીને પાક પર છંટકાવ કરવો.
૪) દશપર્ણી અર્ક (બધા જ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ) : એક પીપ અથવા માટીના વાસણમાં ૨૦૦ લીટર પાણી લો. તેમાં ૧૦ લીટર ગૌમૂત્ર નાખો. ૨ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ નાખી બરાબર મિશ્ર કરો. ત્યાર પછી એમાં ૫ કિ.ગ્રા. લીમડાની નાની નાની ડાળીઓના કટકા કરીને નાખો, તેમજ ૨ કિ.ગ્રા. સીતાફળના પાન, ૨ કિ.ગ્રા. કરંજના પાન, ૨ કિ.ગ્રા. એરંડાના પાન, ૨ કિ.ગ્રા. ધતુરાના પાન, ૨ કિ.ગ્રા. બીલીના પાન, ૨ કિ.ગ્રા. મઢારના પાન, ૨ કિ.ગ્રા. બોરના પાન, ૨ કિ.ગ્રા. પપૈયાના પાન, ૨ કિ.ગ્રા. બાવળના પાન, ૨ કિ.ગ્રા. જામફળના પાન, ૨ કિ.ગ્રા. જાસૂદના પાન, ૨ કિ.ગ્રા. તરોટેના પાન, ૨ કિ.ગ્રા. આંબાના પાન, ૨ કિ.ગ્રા. કરેણના પાન, ૨ કિ.ગ્રા. દેશી કારેલાના પાન, ૨ કિ.ગ્રા. ગલગોટા છોડના ટુકડા ઉમેરો. ઉપર જણાવેલ વનસ્પતિઓમાંથી કોઈપણ દશ વનસ્પતિ નાખો. જો આપના વિસ્તારમાં બીજી ઔષધીય વનસ્પતિઓની જાણ હોય તો તેના પણ પાન લેવા. ત્યાર પછી અડધાથી એક કિ.ગ્રા. તમાકુ અને અડધો કિ.ગ્રા. તીખા મરચાની ચટણી નાખવી. તે પછી એમાં ૨૦૦ ગ્રામ સુંઠનો પાઉડર તેમજ ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર નાખવો, હવે તેને લાકડીથી હલાવવું, હવે આ મિશ્રણને છાંયામાં રાખી દિવસમાં ૨ વખત સવાર અને સાંજ લાકડીથી હલાવવું. આ મિશ્રણને વરસાદના પાણી તેમજ તડકાથી બચાવવું. આ મિશ્રણને તૈયાર થવામાં ૪૦ દિવસ લાગે છે. ત્યાર બાદ તેને કપડાથી ગાળી અને વાસણમાં ઢાંકીને રાખવું. આ મિશ્રણને છ માસ સુધી રાખી શકાય. ૨૦૦ લીટર પાણીમાં ૫ થી ૯ લીટર દશપર્ણી અર્ક જીવાતના નિયંત્રણ માટે છાંટવું. આ ખૂબજ સરળ અને અસરકારક છે.
(૫) ફુગનાશકો : બીજામૃત : ૧૦૦ લીટર પાણીમાં ત્રણ લીટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને પાક ઉપર છંટકાવ કરો. આ ફૂગનાશક છે, સજીવક છે અને વિષાણુરોધક છે. ખૂબજ સારૂં કામ કરે છે.
આમ, પાક સંરક્ષણના આ ઉપાયો દ્વારા પ્રાકૃતિક રીતે જિવાત નિયંત્રણ દવાઓ બનાવી અને તેનો છંટકાવ કરી શકે છે અને રાસાયણિક દવાઓથી થતી આડઅસરોથી જમીનને અને પાકને સંરક્ષિત રાખી શકે છે.

Back to top button
error: Content is protected !!