MALIYA (Miyana – માળીયા (મી.) તાલુકાને વિભાજન કરી અન્ય બે તાલુકા બનાવવાની ચળવળથી તાલુકા હિતરક્ષક સમિતિ દ્રારા કલેકટરને આવેદનપત્ર
MALIYA (Miyana – માળીયા (મી.) તાલુકાને વિભાજન કરી અન્ય બે તાલુકા બનાવવાની ચળવળથી તાલુકા હિતરક્ષક સમિતિ દ્રારા કલેકટરને આવેદનપત્ર
મોરબી : માળિયા (મી.) તાલુકાને વિભાજિત કરી જેતપર અને પીપળીયા ખાતે નવા તાલુકાઓ રચવાની હિલચાલ થઈ રહી હોવાના આક્ષેપ સાથે માળિયા (મી.) પંથકના સ્થાનિકોએ આજે મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ ઉમટી પડી આ હિલચાલ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. સાથે કલેકટર તંત્રને રજુઆત કરી કોર્ટના દ્વાર ખખડાવવાની તેમજ આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજુઆતમાં જણાવાયુ હતું કે માળિયા (મિયાણા) અમારા માટે માત્ર એક તાલુકો નથી – તે અમારી જન્મભૂમિ છે, અમારા પૂર્વજોની વિરાસત છે, અમારા બાળકોનું ભવિષ્ય છે, અને અમારા હૃદયનો ધબકાર છે. અમને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ છે કે, 46 ગ્રામ પંચાયતોમાંથી લગભગ 28 ગ્રામ પંચાયતોને જેતપર તાલુકામાં અને બાકીની 18 ગ્રામ પંચાયતોને પીપળીયા ચાર રસ્તા તાલુકામાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. આ નિર્ણય, જો અમલમાં આવે, તો માળિયા (મિયાણા) તાલુકાને સંપૂર્ણ રીતે નાબૂદ થશે. જે જનતા માટે અસ્વીકાર્ય છે.
માળિયા મિયાણાના પ્રતિષ્ઠિત રાજવી પરિવારના વંશજ પૃથ્વીરાજસિંહજી કૃષ્ણકુમારસિંહજી જાડેજા (દરબારગઢ, માળિયા મિયાણા) એ પણ આ પ્રસ્તાવ સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. માળિયા (મિયાણા) અમારા માટે એક પવિત્ર ધરતી છે. જ્યાં અમારા પૂર્વજોની મહેનત અને ત્યાગ વસે છે. અગાઉ બ્રિટિશ રાજ હેઠળ જાડેજા રાજપૂત વંશનું રજવાડું હતું. અને 1948માં ભારતીય સંઘમાં વિલીનીકરણ પછી તાલુકા મુખ્ય મથક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. આ તાલુકો 46 ગ્રામ પંચાયતો અને લગભગ 1 લાખ વસ્તી ધરાવે છે. જ્યાં OBC સમુદાયો (ખાસ કરીને મિયાણા સમાજ) પેઢીઓથી સૌહાર્દપૂર્વક રહે છે. અમારા પૂર્વજોએ આ ધરતીને ખૂન-પસીને સીચી છે. અને તેના ઐતિહાસિક ગઢ અને સાંસ્કૃતિક પરંપરાઓ અમારા હૃદયમાં વસે છે.કેટલીક ગ્રામ પંચાયતો પર રાજકીય દબાણ હેઠળ આવા ઠરાવ પસાર કરાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે, જેમાં ગ્રામ સભા અથવા લોકશાહી ચર્ચાનો સંપૂર્ણ અભાવ હતો. માળિયા કેન્દ્રથી માત્ર 3-5 કિલોમીટર દૂર આવેલાં ગામોને 15-25 કિલોમીટર દૂર જેતપર અથવા પીપળીયા ચાર રસ્તા સાથે જોડવાથી નાગરિકોની રોજિંદી મુસાફરી, ખર્ચ, અને સમયમાં વધારો થશે, જે અમારા ગરીબ અને ગ્રામીણ વસ્તી માટે અસહ્ય કષ્ટ છે.
માળિયા મિયાણા રાજ પરિવારના પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે માળિયા તાલુકાનું હેડક્વાર્ટર બદલીને જેતપર તથા પીપળીયા રાખવાની દરખાસ્ત થવાની છે. અમારા પરિવારે આઝાદી બાદ આ સ્ટેટ સરકારને સોંપ્યું હતું. જેટલા રજવાડાના હેડક્વાર્ટર હતા તે તમામને આઝાદી બાદ જિલ્લા અથવા તાલુકા બનાવાયા છે. હેડક્વાર્ટર ફરે તો હોસ્પિટલ, મામલતદાર, તાલુકા પંચાયત, પોલીસ સહિતની કચેરી પણ નવા હેડક્વાર્ટરમાં શિફ્ટ થઈ જાય. માળિયા આજે 75 વર્ષ પછી પણ પ્રમાણમાં પછાત તાલુકો છે. તેમાય આવો મનઘડત નિર્ણય લેવામાં આવે તો માળિયા સાવ પડી ભાંગશે. પીપળીયામાં જો કોઈ તકલીફ હોય તો તેને મોરબીમાં ભેળવી દેવામાં આવે. ઉપરાંત જિલ્લાથી 20 કિમિ અંતરે તાલુકો બનાવવો યોગ્ય નથી.