MALIYA (Miyana) માળીયા (મી.) અંજીયાસરની સીમમાં વીજલાઈનના ₹13.50 લાખના વાયરની ચોરી, તસ્કરોએ મચાવ્યો તરખાટ

MALIYA (Miyana) માળીયા (મી.) અંજીયાસરની સીમમાં વીજલાઈનના ₹13.50 લાખના વાયરની ચોરી, તસ્કરોએ મચાવ્યો તરખાટ
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં તસ્કરોએ લાખોની મત્તા પર હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કલપતરુ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી 765 KV લાકડીયા-અમદાવાદ વીજલાઇનમાંથી અજાણ્યા શખ્સો ₹13,50,000 ની કિંમતનો એલ્યુમિનિયમ વાયર ચોરી કરી ગયા છે. આ સાથે જ અંદાજે ₹5 લાખની મત્તાનું અન્ય નુકસાન પણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કલપતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા પાવર ગ્રીડ વીજલાઇનનું કામ ચાલી રહ્યું છે. અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમિકલ ફેક્ટરી પાસે આવેલા લોકેશન નંબર 19/0 થી 19/05 ની વચ્ચેના ભાગમાં તસ્કરોએ ત્રાટકીને અંદાજે 4500 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી હતી.
ચોરીની સાથે તસ્કરોએ કંપનીની અન્ય સાધન-સામગ્રીને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નીચે મુજબની વસ્તુઓનું નુકસાન થયું છે:6500 મીટર એલ્યુમિનિયમ વાયરને નુકસાન.ઇન્સ્યુલેટર: 12 નંગ.સ્પેસર: 35 નંગ.અન્ય ફિટિંગ: મેડિસિન્સ જોઈન્ટ અને સસ્પેશન ફિટિંગ સેટ સહિત અન્ય સાધનો.કુલ નુકસાની: અંદાજે ₹5,00,000.મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મોરબીમાં રહેતા કંપનીના કર્મચારી આશુતોષભાઈ દિનેશકુમાર ભારતીયએ આ મામલે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી, આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય કડીઓના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










