MALIYA (Miyana:માળીયા ( મી.)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સરવડ ગામના પૂર્વ તલાટી મંત્રીની ઘરપકડ
MALIYA (Miyana:માળીયા ( મી.)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સરવડ ગામના પૂર્વ તલાટી મંત્રીની ઘરપકડ
મોરબીના રહેવાસી કે.ડી.પંચાસરા ઉર્ફે લંકેશ નામના વ્યક્તિએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ ક૨ી સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલે વર્ષ 2022મા ખોટું સોગંદનામું, ખોટો વારસાઈ આંબો બનાવી પોતાની સગી પુત્રી ન હોવા છતાં પણ મોરબીમાં રહેતા હંસાબેન નામના મહિલાને સોગંદનામામાં તેમજ વારસાઈ આંબામાં પુત્રી તરીકે દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બનાવ્યા હોવાની ફરિયાદ કરતા બનાવ અંગે જિલ્લા કલેકટર મોરબી અને માળીયા મિયાણા મામલતદારે તપાસ કરી હતી. જે તપાસના અંતે માળીયા મામલતદારે સરવડ ગામના તલાટી કમ મંત્રીને ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જેની તપાસ પહેલા માળીયાના પીઆઇ કરી રહ્યા હતા. ત્યારબાદ આ ગુનાની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવી હતી ત્યાર બાદ તપાસ વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાને સોંપવામાં આવી હતી જો કે, હાલમાં આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઈમ રાજકોટના પીઆઈ કે.કે. જાડેજા ચલાવી રહ્યા છે.
થોડા દિવસો પહેલા બીમારી સબબ આ ગુનાના આરોપી મહેશભાઈ પ્રભાશંકર રાવલનું અવસાન થયું હતું. જો કે, બોગસ આધાર પુરાવા ઊભા કરીને ખેડૂત બનનાર તેમજ બોગસ દસ્તવેજી પુરાવ ઊભા કરવામાં મદદ કરનારા તમામને પકડવા માટેની કવાયત ચાલી રહી છે. તેવામાં સીઆઇડી ક્રાઈમ રાજકોટના પીઆઈ કે.કે. જાડેજા અને તેની ટીમે આ ગુનામાં સરવડ ગામના પૂર્વ તલાટી કમ મંત્રી આરોપી ભરતભાઈ દેવજીભાઈ ખોખર રહે. મેલડી કૃપા, કન્યા છાત્રાલય પાછળ યદુનંદન-22 મોરબી વાળાની ધરપકડ કરી છે. અને આ આરોપીને આજે માળીયાની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. આ આરોપીએ બોગસ વારસાઈ આંબો બનાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.