SURENDRANAGAR :થાનના સરોડી ગામમાં ખાણોથી ફેલાતું સીલીકોસીસ સંકટ : પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત

SURENDRANAGAR :થાનના સરોડી ગામમાં ખાણોથી ફેલાતું સીલીકોસીસ સંકટ : પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત
થાનગઢ તાલુકાના સરોડી ગામમાં આવેલી પથ્થરની ખાણના કારણે વિસ્તારમાં સીલીકોસીસના વધતા જતા કેસોને લઈને આજે સીલીકોસીસ પીડિત સંઘ દ્વારા થાનગઢ-ચોટીલા ના પ્રાંત અધિકારી શ્રી એચ.ટી. મકવાણા સાહેબ સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી.
રજુઆત દરમિયાન જણાવવામાં આવ્યું કે સરોડી ગામમાં આવેલી ખાણ છેલ્લા અંદાજે દસ વર્ષથી સતત કાર્યરત હોવાનું સ્થાનિક સ્તરે જાણવા મળે છે. જોકે, આ ખાણ કાયદેસર છે કે નહીં, પર્યાવરણ મંજૂરી લેવામાં આવી છે કે નહીં તથા શ્રમિક સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે હાલ સુધી કોઈ સ્પષ્ટ અધિકૃત દસ્તાવેજી માહિતી ઉપલબ્ધ નથી. આ ખાણમાં કામ કરેલા અનેક મજૂરો આજે ગંભીર શ્વાસની તકલીફ અને જીવલેણ રોગ સીલીકોસીસના ભોગ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC)ના કાર્યકરોએ તાજેતરમાં સરોડી ગામના માત્ર ૨૫ વર્ષના એક યુવાન ભૂતપૂર્વ ખાણ કામદારની મુલાકાત લીધી હતી. થોડા વર્ષો સુધી ખાણમાં કામ કર્યા બાદ તેઓ સીલીકોસીસથી પીડાઈ રહ્યા છે અને હાલ તેમની હાલત અત્યંત ગંભીર છે. તેઓ સતત ઓક્સિજનના સહારે શ્વાસ લઈ રહ્યા છે, જે ખાણમાં કામ કરતા યુવાનો માટેની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
રજુઆતમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે લાવવામાં આવી કે સરોડી ગામના એક જ પરિવારના ચાર કામદારો ખાણમાં કામ કર્યા બાદ નાની ઉંમરે મૃત્યુ પામ્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેમાંના કેટલાકના સારવાર સંબંધિત દસ્તાવેજોમાં સીલીકોસીસનું નિદાન નોંધાયેલ છે. ઉપરાંત, ગામના અન્ય ઘણા ભૂતપૂર્વ ખાણ કામદારો હાલ પણ ગંભીર શ્વાસની તકલીફથી પીડાઈ રહ્યા છે.
સીલીકોસીસ પીડિત સંઘે રજૂઆતમાં જણાવ્યું કે ખાણ માલિકો દ્વારા કામદારોને જરૂરી સુરક્ષા સાધનો, નિયમિત આરોગ્ય તપાસ, જોખમ અંગેની માહિતી કે કાયદા મુજબના લેખિત દસ્તાવેજો આપવામાં આવતા નથી. રોકડ પગાર પદ્ધતિને કારણે કામદારો પાસે રોજગારનો કોઈ પુરાવો રહેતો નથી અને જીવતા બચેલા કામદારોના ફેફસાંમાં રહેલું સિલિકા જ તેમનું એકમાત્ર સાક્ષ્ય બની રહે છે.
આ સંજોગોને ધ્યાનમાં રાખીને ખાણની કાયદેસરતા અંગે તાત્કાલિક તપાસ, તમામ કામદારોની સીલીકોસીસ માટે આરોગ્ય તપાસ, પીડિતોને વળતર તથા ભવિષ્યમાં સુરક્ષા પગલાં ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી. પ્રાંત અધિકારી સાહેબએ સમગ્ર મુદ્દે ગંભીરતા દર્શાવી જરૂરી પગલાં લેવાની તત્પરતા વ્યક્ત કરી.







