Lodhika: લોધિકા તાલુકાના કાંગશિયાળી, ઢોલરા અને પાળ ગામે બાળકોના હર્શોઉલ્લાસ સાથે શાળાઓમાં શિક્ષણની ઉલ્લાસમય ઉજવણી

તા.૨૭/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સૌ સાથે મળીને બાળકોના ઉત્તમ ભવિષ્યના નિર્માણમાં સહયોગી બનીએ, અલ્પાબેન તોગડીયા
દીકરી ને દીકરા સમાન ગણી ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન સાર્થક કરીએ, સોનલબેન જોષીપુરા
સ્માર્ટ ક્લાસ, ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ
Rajkot, Lodhika: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૪ ની ૨૧ મી શૃંખલાનો ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…..’ થીમ સાથે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રારંભ કરાયો છે, ત્યારે પ્રવેશોત્સવના બીજા દિવસે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના કાંગશિયાળી, ઢોલરા અને પાળ ગામે સ્વચ્છ સુઘડ શાળાઓના પ્રાંગણમાં રંગબેરંગી પરિધાનમાં આવેલા બાળકોના ખિલખિલાટ સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
મહાનુભાવો આ પ્રસંગે બાળકોને તેમના વક્તવ્યમાં શિક્ષણનું મહત્વ સમજાવતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અલ્પાબેન તોગડીયાએ શૈક્ષણિક કારકિર્દીનું મહત્વ સમજાવી રાજ્ય સરકાર દ્વારા સો ટકા નામાંકન બાદ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે રાજ્ય સરકારનો સંકલ્પ હોવાનું જણાવી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિઓની માહિતી પૂરી પાડી હતી. જ્યારે માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોશીપુરાએ શિક્ષણ એ વ્યક્તિના ઘડતરનો પાયો હોવાનું જણાવી શિક્ષણ થકી સ્વયં તેમજ રાષ્ટ્રના ઘડતરમાં ખૂબ જ મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું હતું. બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન સાર્થક કરવા આપણે દરેક દીકરીઓને દીકરા સામાન ગણી શિક્ષણ પૂરું પાડીએ તેવી ખાસ અરજ ઉપસ્થિત માતાઓને કરી હતી.
શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત કાંગશિયાળી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૫ કુમાર ૪ કન્યા સહિત કુલ ૯ તેમજ ધોરણ એકમાં ૫ કુમાર ૮ કન્યા સહિત કુલ ૧૩ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાયો હતો.
ઢોલરા તાલુકા શાળામાં આંગણવાડીમાં ૫ બાળકો, બાલવાટિકા માં ૧૫ અને ધો. ૧ માં કૂલ ૨૧ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. અહીં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ અને ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને ટચ સ્ક્રીન ટેલિવિઝનમાં પાઠ્યપુસ્તકના વિડિયોઝ દર્શાવી શિક્ષણ આપવામાં આવે છે.
જ્યારે પાળ ગામે પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના ૩, બાલ વાટિકામાં ૧૨ બાળકો, ધોરણ ૧ માં ૧૦ બાળકો અને ધોરણ ૯ માં ૩૨ વિદ્યાર્થીઓને શ્રીમતી એમ.એચ. ગાડી ગાયત્રી હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો.
માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોષીપુરા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન તોગડીયા, મામલતદાર શ્રી બી.એન.ભાડ, સરપંચ સર્વે શ્રી કાંગસિયાળીના યોગેશભાઈ ઢોલરાના શોભનાબેન કાછડીયા, પાળગામના મનિષાબેન ટીલાળા સહિતના મહાનુભાવના હસ્તે વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મહાનુભાવના હસ્તે સ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત, સ્વાગત નૃત્ય ગીત તેમજ બેટી બચાવો બેટી પઢાવો, વૃક્ષારોપણ અને સ્વચ્છતાના સંદેશાઓ તેમના વક્તવ્યમાં આપ્યા હતા.
ત્રણે શાળાઓમાં બી.આર.સી. શ્રી દર્શનભાઈ જોશી, સી.આર.સી પારુલબેન, આચાર્યશ્રીઓ ત્રિકમભાઈ રાઠોડ મનસુખભાઈ સાવલિયા, જયસુખભાઈ મારવણીયાના, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એસપી સ્વામી સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યા હતા. વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.





