MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: ૧ લાખ સામે ૨.૫૦ લાખ વસૂલ્યા છતાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી

MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: ૧ લાખ સામે ૨.૫૦ લાખ વસૂલ્યા છતાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા એક વેપારી વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી, મૂળ રકમ કરતા બમણાથી વધુ પૈસા પડાવ્યા હોવા છતાં વેપારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા ૩૫ વર્ષીય અનિલભાઈ ચંદુભાઈ જાકાસણીયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ: બે વર્ષ અગાઉ ૨૦૨૪માં વેપાર માટે અનિલભાઈએ ચિરાગ સંઘાણી (રહે. રવાપર રોડ) પાસેથી માસિક ૧૦ ટકાના ઉંચા વ્યાજે રૂ. ૧ લાખ લીધા હતા. આ પેટે તેમણે અત્યાર સુધીમાં વ્યાજ અને મુદ્દલ થઈને કુલ રૂ. ૨.૫૦ લાખ ચૂકવી દીધા છે. અન્ય આરોપી સુરેશ કાથાલાલ રાયકા પાસેથી પણ ૧૦ ટકા વ્યાજે રૂ. ૪ લાખ લીધા હતા, જેની સામે વેપારીએ રૂ. ૫.૪૦ લાખ ચૂકવી દીધા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.લાખો રૂપિયા વ્યાજ પેટે વસૂલી લીધા હોવા છતાં, આરોપી સુરેશ રાયકાએ બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી. વેપારીને અવારનવાર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા વેપારીએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ કાર્યવાહી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આ મામલે આરોપી ચિરાગ સંઘાણી અને સુરેશ રાયકા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










