Rajkot: પી.ડી.માલવિયા કોલેજમાં “નશામુક્ત ભારત” અંગેનો સેમિનાર યોજાયો

તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
યુવાનો, વિદ્યા અને સ્પોર્ટ્સ તરફ આગળ વધો, નશા તરફ નહીં: ડી.સી.પી.ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ
Rajkot: ડિસ્ટ્રિક્ટ નશામુક્ત કેમ્પેઇન કમિટી અને પી.ડી.માલવિયા કોલેજના સંયુક્ત ઉપક્રમે પી.ડી.માલવિયા કોમર્સ કોલેજ ખાતે “આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ” અંતર્ગત સેમિનાર યોજાયો હતો.
ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા “આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે નશામુક્ત ભારત અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે આયોજિત સેમિનારમાં ડી.સી.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે ડ્રગ્સ શું છે? વ્યક્તિ, સમાજ અને દેશ પર તેની અસરો કેટલી ગંભીર હોય છે? તે વિશે વિસ્તૃત જાણકારી આપી વિદ્યાર્થીઓએ વિદ્યા અને સ્પોર્ટ્સ તરફ આગળ વધવુ જોઈએ, વ્યસન તરફ નહીં તેમ કહ્યું હતુ.
યુવાધન સશક્ત અને મજબૂત હશે તો જ સમાજ અને દેશ મજબૂત બનશે તેમ જણાવી ડી.સી.પી.શ્રીએ ડ્રગ્સની વૈશ્વિક સાયકલ અને તેના ફેલાવા અંગે માહિતગાર કરી દેશના શત્રુઓ યુવાધનને કઈ રીતે બરબાદ કરી શકે અને તેનાથી કઈ રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
કોલેજ આચાર્યશ્રી કમલેશ જાનીએ શાબ્દિક સ્વાગતમાં સંસ્થાની ઐતિહાસિક ઝલક આપી વિદ્યાર્થીઓને આગળની કારકિર્દીમાં વ્યસનમુક્ત હોવું કેટલું જરૂરી છે તેનું મહત્ત્વ સમજાવી નશાકારક પદાર્થોના સેવન બાદ બરબાદ થતા જીવન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
બ્રહ્માકુમારીના કિંજલબહેને વ્યસનથી બરબાદ થતા લોકો સામાજિક અને માનસિક રીતે કઈ રીતે ભાંગી પડે અને પરિવારમાં થતી અસર વિશે ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરસીયાએ નશામુક્ત ભારત અભિયાન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. નશાકારક પદાર્થો અને કેફી દ્રવ્યોનો દુરૂપયોગ અટકાવવા અને લોકોમાં જાગૃતિ ફેલાવી ડ્રગ્સના જોખમો અંગે શાળાઓ, કોલેજો, કાર્યસ્થળ, જાહેર જગ્યાઓ પર નશાબંધી અંગે નાગરિકોને જાગૃત કરવાના હેતુ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
સેમિનારના અંતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરાયેલ વીડિયો ક્લિપ નિહાળી ઉપસ્થિત સૌએ નશામુક્ત અંગેના શપથ લીધા હતા.
પી.ડી.એમ. કોલેજમાં યોજાયેલ સેમીનારમાં પોલીસ વિભાગ, એન.એસ.એસ., બ્રહ્માકુમારીઝ, સમાજ સુરક્ષાના અધિકારીઓ, કોલેજ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.





