નવસારી મહાનગરપાલિકાએ પાણીની લાઈનમાં ભંગાણ થતા જવાબદાર એજન્સી પર રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ થવાના કારણે પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો હતો. આ ઘટના અંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લઈ જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નિયત કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી હતી, જેના પરિણામે છેલ્લા ૧૦ દિવસની અંદર વારંવાર પાણીની લાઈન તૂટવા ના કારણે ઘણું પાણીનો ફેરફાર થઈ રહ્યો હતો.
આ ઘટનાને પગલે, જવાબદાર એજન્સી સામે મહાનગરપાલિકા દ્વારા કડક પગલાંરૂપે રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ટકાઉ સમાધાન માટે તરત જ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવી શકાય.
નવસારી મહાનગરપાલિકા તમામ નાગરિકોને આશ્વાસન આપે છે કે શહેરમાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓમાં કોઈ પ્રકારની ક્ષતિ ન આવે તે માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ જવાબદારીથી પાલન ન કરનાર એજન્સીઓ સામે આગળ પણ તાકીદના અને કડક પગલાં લેવામાં આવશે.




