MORBI:મોરબી ફુડ ડીપાર્ટમેન્ટની બેદરકારી – શહેરના મુખ્ય વિસ્તારોમાં બિનગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચાતાં હોવાનો આક્ષેપ

MORBI:મોરબી ફુડ ડીપાર્ટમેન્ટની બેદરકારી – શહેરના મુખ્ય વિસ્તારોમાં બિનગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચાતાં હોવાનો આક્ષેપ
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી શહેરમાં ફુડ ડીપાર્ટમેન્ટની નિષ્ક્રિયતા સામે હવે ભારે ચર્ચા શરૂ થઈ છે. શહેરના ઠેકઠેકાણે ખાણીપીણીની હોટલો, લારીઓ અને મીઠાઈની દુકાનો ચાલી રહી છે, પરંતુ વર્ષોથી અહીં કોઈ સઘન ચેકિંગ થતું જ નથી.
ખાસ કરીને નવા બસ સ્ટેન્ડ વિસ્તાર, સામેકાંઠે, નહેરુગેટની નાસ્તો ગલી, મહાનગરપાલિકા નજીક, રેનબસેરા વિસ્તાર તથા મયુર પુલ નીચે દરરોજ સૈંકડો લારીઓ અને નાસ્તાની દુકાનો ચાલે છે. આ સ્થળોએ સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ખુલ્લેઆમ ગંદકી વચ્ચે ખોરાક તૈયાર થતો હોય છે અને ગુણવત્તા અંગે લોકોના આરોગ્ય સાથે ખેલવાડ થતો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.
જન્માષ્ટમી જેવા મોટા તહેવારો દરમિયાન મીઠાઈ અને નાસ્તાની માંગમાં ભારે વધારો થવા છતાં ફુડ ડીપાર્ટમેન્ટ તરફથી એકેય સ્થળે ચેકિંગ ન થવાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો કહે છે કે, “અધડક લારીઓ આખા વર્ષ ભર ચાલે છે, પણ તંત્ર માત્ર કાગળ ઉપર જ ચેકિંગ બતાવે છે. લોકોના આરોગ્ય માટે જવાબદાર વિભાગ ભર નિંદ્રામાં છે.”
હાલમાં જ કેટલાક નાગરિકોએ ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો કે, જો કોઈ દુષિત ખાદ્ય પદાર્થ ખાવાથી મોટી તકલીફ ઊભી થાય તો તેની જવાબદારી કોણ લેશે? ફુડ ડીપાર્ટમેન્ટ માત્ર કોઈ ઘટના બને ત્યારે જ ચેકિંગ કરે છે, એ પહેલા કેમ નહીં?
હવે શહેરજનો તરફથી માંગ ઉઠી છે કે તંત્ર તાત્કાલિક તમામ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન ચલાવે, બિનગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો જપ્ત કરે અને બેદરકાર દુકાનદારો-લારીઓધારકો સામે કડક કાર્યવાહી કરે.







