AHAVADANG

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે પાણીની સમસ્યા બાબતે ડાંગના ચનખલ ગામની સ્થળ મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*ગામમાં પાણીના સ્ત્રોત એવા કુવાઓની જાત મુલાકાત લઇ ત્વરિત વ્યવસ્થા ઉભી કરવા અધિકારીઓને સુચના*

રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકાર દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયું છે.

જે કાર્યને સતત ધ્યાને લેતાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા તાલુકાના ચનખલ ગામમા ધ્યાને આવેલી પાણીની સમસ્યા બાબતે ગામની સ્થળ મુલાકાત લઈ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાત્કાલિક આ સમસ્યા અંગે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી, ગામમાં પાણીનુ વિતરણ કરવાની સૂચના આપી હતી.

ચનખલ ગામે પાણીની સમસ્યા દૂર થાય તે માટે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, સંવેદનશીલ અભિગમ અખત્યાર કરતા ભરબપોરે ૪૨ ડિગ્રી તાપમાન વચ્ચે ગામથી અંદાજીત દોઢેક કિલોમીટર દૂર આવેલા દુર્ગમ વિસ્તારમાં કૂવાની જાત મુલાકાત લઈ, પાણીની સમીક્ષા હાથ ધરી હતી.

અહિં કુવા રિંપેરીંગ કરવા સાથે પાઇપ લાઇનના લિકેજ દુર કરવા, અને ઉપલબ્ધ પાણીના સોર્સનો સમુચિત ઉપયોગ કરવા અંગે અમલીકરણ અધિકારીઓને સુચવ્યુ હતુ.

વધુમા ગામમા આવેલા કૂવામા પાણીનો સ્ત્રોત પૂર્ણ થઈ જતા અન્ય કૂવાઓમાંથી મિનિ પાઇપ લાઇન દ્વારા કૂવાઓમાં પાણી પહોંચાડવામાં આવે, તેમજ પાઈપ લાઈનના લીકેજ વગેરે દુરસ્ત કરી ગામ લોકોને સમયસર પાણી મળી રહે, તે દિશામાં કાર્યવાહી કરવાં પણ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓને સૂચના આપી હતી.

વિધાનસભાના નાયબ દંડક-વ-ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની સ્થળ મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઇ વાઘમારે,  વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!