
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની ચિચિનાગાવઠા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ વઘઈ ખાતે કોમ્યુનિટી હોલમાં આયોજિત “ઓપન કરાટે ચેમ્પિયનશિપ – 2025″માં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન ડાંગ અને સેલ્ફ ડિફેન્સ એકેડેમિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ડાંગ જિલ્લા અને વાંસદા તાલુકાની શાળાઓના 400 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ચિચિનાગાવઠા પ્રાથમિક શાળાની 36 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને કુલ 20 મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ.જેમાં 8 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીનીઓએ કરાટેની કાંટા અને ફાઈટ્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.શાળાની આ સફળતાનો શ્રેય કરાટે કોચ તેજલબેન મોહનભાઈ પાડવીને જાય છે, જેમણે અઠવાડિયામાં ત્રણ દિવસ વિદ્યાર્થીનીઓને તાલીમ આપી હતી. ધોરણ 6 થી 8 ની તમામ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર તાલીમમાં ભાગ લીધો હતો અને શાળાને ગૌરવ અપાવ્યું હતું.શાળાના આચાર્ય પરેશભાઈ એલ. કુરકુટિયા અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાળાની આ સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે..




