દેડિયાપાડા-નેત્રંગ બાયપાસ વીરપુર પાસેના માર્ગ પર દુરસ્તીકરણની કામગીરી હાથ ધરાઈ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 26/07/2025 – નર્મદા જિલ્લામાં ચાલુ ચોમાસુ દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં કેટલાક મુખ્ય અને આંતરિક માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા છે. નાગરિકોને અવરજવર અને વાહન વ્યવહારમાં અનિચ્છનિય તકલીફ ન થાય તે હેતુથી રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અને જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની રાહબરીમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજપીપલા-અંકલેશ્વર હાઈવે અને દેડિયાપાડા-નેત્રંગ તરફ જતા વાહનો માટે મહત્વના ગણાતા વીરપુર-ખામર બાયપાસ માર્ગ પર પડેલા ખાડાઓને દુર કરવા માટે આસ્ફાલ્ટ મટિરિયલ (ડામર પેચિંગ)થી માર્ગનું સમારકામ ઝડપથી હાથ ધરાયું છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કામાં સૌથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરી તાત્કાલિક પગલાં લઈ ખાડાઓ પુરવા અને વાહન વ્યવહાર સુરક્ષિત રીતે યથાવત રહે તે માટે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. વધુ વરસાદને લીધે માર્ગોની હાલત ન બગડે તે માટે સાવચેતીપૂર્વક અને મજબૂતાઈથી રસ્તા રીપેર કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક લોકો અને મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા પ્રશાસન તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખી કામગીરી અમલમાં મુકાઈ રહી છે.