MORBI:ચાઇનાને વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરે લપડાક! ISO-TC/189 ની વર્કિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં મોરબી સિરામિક એસો.પ્રમુખે હાજરી આપી

MORBI:ચાઇનાને વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરે લપડાક! ISO-TC/189 ની વર્કિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં મોરબી સિરામિક એસો.પ્રમુખે હાજરી આપી
(ઇન્ડોનેશિયા): તારીખ ૧૩ અને ૧૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં સિરામિક ટાઇલ્સ માટેના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ISO-TC/189 ની વર્કિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં વિશ્વભરના ૨૯ સભ્ય દેશોમાંથી ૨૬ દેશોના ડેલિગેશને હાજરી આપી હતી. આ બેઠકમાં ભારતીય ડેલિગેશને ચીન દ્વારા પ્રસ્તાવિત વધુ એક બિનજરૂરી અને ગેરમાર્ગે દોરનારા સ્ટાન્ડર્ડનો જોરદાર વિરોધ કરીને મોરબી સિરામિક ઉદ્યોગના હિતોનું સફળતાપૂર્વક રક્ષણ કર્યું હતું.
ભારતીય પ્રતિનિધિમંડળની સજ્જડ રજૂઆત
ભારતનું પ્રતિનિધિત્વ પાંચ સભ્યોના ડેલિગેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. અશોક ખુરાના (ચેરમેન, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ – દિલ્હી), આર.ડી. માથુર (BIS કમિટી મેમ્બર), પોલસન કે. (BIS કમિટી મેમ્બર), મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા, અને જેરામભાઇ કાવર (BIS કમિટી મેમ્બર) નો સમાવેશ થાય છે.
ચીનની “કાવતરાખોર નીતિ”નો પર્દાફાશ ગત વર્ષે ચીની ડેલિગેશને સ્લેબ ટાઇલ્સમાં “ઇલાસ્ટિક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર” નામનો ટેસ્ટ ફરજિયાત દાખલ કરવા માટે દાવપેચ કર્યા હતા. તે સમયે પણ ભારતીય ડેલિગેશને અમેરિકા, ઇટાલી, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તુર્કી જેવા દેશોના સમર્થન સાથે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કમિટીના ચેરમેન ડૉ. સેન્ડર્સ જોહ્ન પી. (અમેરિકા) એ ભારતની તરફેણમાં નિર્ણય આપી ચીનની આ કાવતરાખોર નીતિનો પર્દાફાશ કર્યો હતો.
આ વર્ષે ચીન દ્વારા સ્લેબ ટાઇલ્સ માટે બીજું સ્ટાન્ડર્ડ “ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ” લાવવા માટે મરણિયા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય ડેલિગેશનની સાથે અન્ય દેશોએ પણ સંગઠિત વિરોધ નોંધાવતા ચીનની આ કુટનીતિનો ફિયાસ્કો થયો હતો. આ છેતરામણીભર્યું સ્ટાન્ડર્ડ આખરે કેન્સલ થયું, જેને સિરામિક જગતમાં ચીનને વધુ એક લપડાક સમાન ગણવામાં આવે છે.
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રીએ જણાવ્યું હતું કે, આ ટેસ્ટ દાખલ થવાથી મોરબીના GVT (ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ) બનાવતા એકમોને મોટું નુકસાન થાત. કારણ કે આ સ્ટાન્ડર્ડ મુજબની ગુણવત્તાવાળી ટાઇલ્સ બનાવવા માટેનું રો-મટિરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી. જો આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડમાં આ ટેસ્ટ આવે તો ભારતે રો-મટિરિયલ માટે અન્ય દેશો પર આધાર રાખવો પડે, જેના કારણે પડતર ઊંચી આવે અને મોરબી ઉદ્યોગ વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધાત્મકતા ગુમાવી દે. ચીન આ વાત સારી રીતે જાણતું હોવાથી, તે પોતાની અનુકૂળતા મુજબ ISO સ્ટાન્ડર્ડ પાસ કરાવી મોરબી ઉદ્યોગને ખતમ કરવા માગે છે.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) – દિલ્હી, આ પ્રકારના બિનજરૂરી સ્ટાન્ડર્ડ્સ ભવિષ્યમાં અમલ ન થાય તે માટે હરહંમેશ સતર્ક રહે છે અને મોરબી સિરામિક ઉદ્યોગને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. દર વર્ષે ISO ની મીટિંગમાં ભારત સરકાર અને BIS દ્વારા મોરબી એસોસિએશનને સહયોગ આપીને ઉદ્યોગને પ્રોત્સાહન અને બળ પૂરું પાડવામાં આવે છે.










